
- CBSEની સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન 1લી જાન્યુઆરીથી,
- ધો,10 અને 12ના વિદ્યાર્થીઓની યાદી CBSE બોર્ડને મોકલવા સુચના અપાઈ,
- ધોરણ 10 માટેનો આંતરિક મૂલ્યાંકન માત્ર એક વખત જ યોજાશે,
અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) દ્વારા શૈક્ષણિક સત્ર 2025-26 માટે ધોરણ 10 અને 12ની પ્રાયોગિક (પ્રેક્ટિકલ) પરીક્ષાઓ, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન (ઇન્ટર્નલ એસેસમેન્ટ) માટેની તારીખો જાહેર કરી છે. જે મુજબ ધોરણ 10 અને 12ની મૂલ્યાંકન પરીક્ષાઓનો પ્રારંભ 1લી જાન્યુઆરીથી થશે.
સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલા સમય પત્રક મુજબ ભારત તેમજ વિદેશની તમામ CBSE સંલગ્ન સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ અને આંતરિક મૂલ્યાંકન 1 જાન્યુઆરી 2026થી શરૂ થશે, પરંતુ ઠંડા પ્રદેશોની સ્કૂલો માટે વિશેષ ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવ્યું છે. જેથી પરીક્ષાઓ રજાઓ પહેલાં પૂર્ણ થઈ શકે. વિન્ટર સ્કૂલોમાં આ પરીક્ષાઓ 6 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી યોજાશે, કારણ કે જાન્યુઆરી 2026 દરમિયાન આ સ્કૂલો વિન્ટર રજાઓને કારણે બંધ રહેશે.
CBSEએ તમામ સ્કૂલો માટે પ્રાયોગિક પરીક્ષાઓ યોજવાની SOP અને વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તેમાં અંક અપલોડ કરવાની પ્રક્રિયા, બાહ્ય પરીક્ષકની નિમણૂક, પ્રાયોગિક ઉત્તરપત્રિકાની વ્યવસ્થા, અનૈતિક સાધનોનો ઉપયોગ અટકાવવા અને પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તેની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.
CBSEએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને સંપૂર્ણ જાહેરનામું અને માર્ગદર્શિકા તપાસી શકે, જેથી તૈયારી સમયસર શરૂ કરી શકાશે. બોર્ડ દ્વારા સ્કૂલો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. જેમા સ્કૂલોએ ધોરણ-10 અને 12ના તમામ વિદ્યાર્થીઓની અંતિમ યાદી તૈયાર કરીને બોર્ડની મોકલવાની રહેશે. જે વિદ્યાર્થીઓના નામ LOC (List of Candidates)માં નથી, તેમને પ્રાયોગિક પરીક્ષા, પ્રોજેક્ટ કે આંતરિક મૂલ્યાંકનમાં બેસવા દેવા નહીં એટલે લીસ્ટ બનવાતી વખતે ખાસ તકેદારી રાખવાની રહેશે. ધોરણ 10 માટેનો આંતરિક મૂલ્યાંકન માત્ર એક વખત જ યોજાશે, તેથી નક્કી કરાયેલા સમયગાળા દરમ્યાન જ માર્ક્સ અપલોડ કરવાના રહેશે, પાછળથી કોઈ વિવાદ ન થાય તે માટે સૂચના અપાઈ છે.