
પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100%નો વધારાને કેન્દ્રની મંજુરી
નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટેની નાણાકીય સહાયમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે. મુખ્ય વધારામાં લગ્ન અનુદાન રૂ.50,000 થી વધારીને રૂ.1,00,000,ગરીબી અનુદાન રૂ.4,000 થી વધારીને રૂ.8,000,અને શિક્ષણ અનુદાન પ્રતિ માસ રૂ.1,000 થી વધારીને રૂ.2,000 કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો આગામી 1લી નવેમ્બરથી લાગુ થશે, જેનો વાર્ષિક બોજ રૂ.257 કરોડ જેટલો થશે, જે સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળ (એએફએફડીએફ) દ્વારા વહન કરવામાં આવશે. આ નિર્ણય બિન-પેન્શનર પૂર્વ સૈનિકો અને વિધવાઓ માટે સામાજિક સુરક્ષાને મજબૂત બનાવશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, કેન્દ્રીય લશ્કરી બોર્ડ દ્વારા પૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગની યોજનાઓ હેઠળ પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે. લગ્ન અનુદાન પ્રતિ લાભાર્થી રૂ. 50,000 થી વધારીને રૂ. 100,000 કરવામાં આવ્યું છે. ગરીબી અનુદાન પણ બમણું કરવામાં આવ્યું છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગરીબી અનુદાન પ્રતિ લાભાર્થી રૂ. 4,000 થી વધારીને રૂ. 8,000 કરવામાં આવ્યું છે. તેથી, 65 વર્ષથી વધુ ઉંમરના બિન-પેન્શનર પૂર્વ સૈનિકો અને તેમની વિધવાઓ જેમની પાસે નિયમિત આવક નથી તેમને હવે આજીવન, સતત સહાય મળશે. વધુમાં, બે આશ્રિત બાળકો (ધોરણ 1 થી સ્નાતક સુધી) અથવા બે વર્ષનો અનુસ્નાતક અભ્યાસક્રમ ચલાવતી વિધવાઓ માટે શિક્ષણ અનુદાન પ્રતિ વ્યક્તિ દર મહિને રૂ. 1,000 થી વધારીને રૂ. 2,000 કરવામાં આવ્યું છે. લગ્ન અનુદાન પ્રતિ લાભાર્થી રૂ. 50,000 થી વધારીને રૂ. 100,000 કરવામાં આવ્યું છે. આ અનુદાન ભૂતપૂર્વ સૈનિકો અને વિધવાઓની મહત્તમ બે પુત્રીઓના પુનર્લગ્ન માટે ઉપલબ્ધ રહેશે.
મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, સુધારેલા દરો આગામી મહિનાની 1લી નવેમ્બરથી સબમિટ કરાયેલી અરજીઓ પર લાગુ થશે, જેનો વાર્ષિક નાણાકીય બોજ આશરે રૂ. 257 કરોડ એએફએફડીએફ દ્વારા ઉઠાવવામાં આવશે. આ યોજનાઓને સંરક્ષણ પ્રધાનના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ ભંડોળ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જે સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળ (એએફએફડીએફ) નો સબસેટ છે. આ નિર્ણય બિન-પેન્શનર ભૂતપૂર્વ સૈનિકો, વિધવાઓ અને ઓછી આવક ધરાવતા આશ્રિતો માટે સામાજિક સુરક્ષા માળખાને મજબૂત બનાવશે, જે ભૂતપૂર્વ સૈનિકોની સેવા અને બલિદાનનું સન્માન કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.