
- અમદાવાદથી આવતી ટ્રેનોમાં ચેઈન પુલિંગ વધ્યું
- સુરતના રેલવે સ્ટેશનના રિ-ડેવલપને લીધે ટ્રેનો ઊધના સ્ટેશને ઊભી રહે છે
- ચેઈન પુલિંગની ઘટના વધતા RPF એલર્ટ બની
સુરતઃ શહેરના રેલવે સ્ટેશનનું રિ-ડેવલપનું કામ હાલ ચાલી રહ્યું છે. તેના લીધે સુરત રેલવે સ્ટેશન પર ઊભી રહેતી ટ્રેનોને ઊધના રેલવે સ્ટેશને સ્ટોપજ અપાયા છે. સુરતના રેલ્વે સ્ટેશન પર MMTH કામ શરૂ થવાને કારણે પ્લેટફોર્મ 2-3 બંધ કરવામાં આવ્યા છે. ઉધના સ્ટેશન પર લગભગ 201 મેલ-એક્સપ્રેસ ટ્રેનો સ્ટોપેજ ધરાવે છે. આનાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. આથી કેટલાક મુસાફરો સુરતમાં ઉતરવા માટે ચેઇન ખેંચી રહ્યા છે. જ્યારે ટ્રેન સુરત સ્ટેશન નજીક પહોંચે ત્યારે ચેઇન પુલિંગ કરીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન સુરત સ્ટેશનની બહારની બાજુએ 25 ટ્રેનોમાં ચેઈન પુલિંગ થયું છે. અમદાવાદ તરફથી આવતી ટ્રેનોમાં વધારે ચેઇન પુલિંગ થયું છે. આ સાથે જ મુંબઈથી આવતી ટ્રેનોનું પણ ચેઇન પુલિંગ થયું છે. વારંવાર થતાં ચેઈન પુલિંગને કારણે રેલવે પોલીસ એલર્ટ બની છે.
સુરત શહેરના રેલવે સ્ટેશનના રિ-ડેવલપને કારણે 200થી વધુ મેઈલ-એક્સપ્રેસ ટ્રેનોને ઊધના સ્ટોપેજ અપાયું છે. સુરતના રેલ્વે સ્ટેશન પર MMTH કામ શરૂ થવાને કારણે પ્લેટફોર્મ 2-3 બંધ કરવામાં આવ્યા છે. આ કામ આગામી 60 દિવસ સુધી ચાલુ રહેશે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમય દરમિયાન, સુરતના મુસાફરો માટે બીજી એક સમસ્યા ઉભી થઈ છે, જે ચેઈન પુલિંગના સ્વરૂપમાં આવી છે. જ્યારે આ ટ્રેનોમાં મુસાફરી કરતા કેટલાક મુસાફરો સુરત સ્ટેશન નજીક પહોંચે છે, ત્યારે તેઓ ચેઈન પુલિંગ કરીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કરે છે. જેથી તેઓ સુરત સ્ટેશન પર ઉતરી શકે. 8 જાન્યુઆરીથી આવી ઘટનાઓમાં વધારો થયો છે, જેમાં બે ડઝનથી વધુ કિસ્સાઓમાં ચેઇન પુલિંગની ઘટનાઓ બની છે. આ કારણે સુરતના બહારના વિસ્તારોમાં ટ્રેનોને રોકવામાં આવી રહી છે. અમદાવાદથી સુરત આવતી ટ્રેનોમાં સૌથી વધુ ચેઈન પુલિંગના બનાવો બની રહ્યા છે. આ સાથે મુંબઈ તરફથી આવતી ટ્રેનોમાં પણ ચેઇન પુલિંગ થયું છે. આવી ઘટનાઓને રોકવા માટે, રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરત રેલવે પોલીસે જણાવ્યું હતું કે તેઓ સુરતના બાહ્ય ટ્રેક પર ચેઇન ખેંચતા મુસાફરોને પકડીને અટકાયતમાં લઈ રહ્યા છે અને તેમના પર દંડ પણ વસૂલ કરી રહ્યા છે. જે ટ્રેનો હવે ઉધના ખાતે ઉભી રહી છે, તે મુસાફરોને ચેઇન ન ખેંચવા અપીલ કરવામાં આવી રહી છે.
ટ્રેનમાં વારંવાર ચેઈન પુલિંગ એ આ માત્ર રેલવે કાયદાનું ઉલ્લંઘન નથી, પરંતુ મુસાફરો અને અન્ય લોકોની સલામતી માટે પણ ખતરો છે. રેલવે પ્રશાસને ખાસ ધ્યાન દોર્યું છે કે, મુસાફરો ઉધના સ્ટેશન પર ઉતરીને સુરત સુધી ટ્રેનમાં જ મુસાફરી પૂર્ણ કરે. સુરત રેલ્વે પ્રશાસને આ સંદર્ભમાં મુસાફરોને સહયોગ આપવા અપીલ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરી શકે છે. સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે સાત કિલોમીટર જેટલું અંતર છે. ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ બાદ રિક્ષાના ભાડામાં પણ વધારો થઈ ગયો છે. આ સાથે જ પૂરતી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ન હોવાની પણ રજૂઆતો થઈ ચૂકી છે. સુરત રેલવે સ્ટેશન તરફના મુસાફરોને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉધના રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ આપ્યા બાદ અસુવિધાઓ ના પગલે મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.