1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં ગઢેચી નદીકાંઠા નજીક 800 મકાનો-ઝૂંપડા હટાવવા સામે ભારે વિરોધ
ભાવનગરમાં ગઢેચી નદીકાંઠા નજીક 800 મકાનો-ઝૂંપડા હટાવવા સામે ભારે વિરોધ

ભાવનગરમાં ગઢેચી નદીકાંઠા નજીક 800 મકાનો-ઝૂંપડા હટાવવા સામે ભારે વિરોધ

0
Social Share
  • મ્યુનિએ 800 રહિશોને નોટિસ ફટકારી મકાનોના દસ્તાવેજો રજુ કરવા સુચના આપી
  • કોંગ્રેસ દ્વારા ઝૂંપડા હટાવવા સામે જોરદાર વિરોધ કરાયો
  • પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો

ભાવનગરઃ શહેરમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવતી ગઢેચી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનો ભાવનગર મહાનગર પાલિકાનો પ્રોજેક્ટ છે. ત્યારે મ્યુનિએ શહેરના ગઢેચી નદી કાંઠાના દબાણો સંપૂર્ણ હટાવવા માટે  800 જેટલા મકાનો અને ઝૂંપડા ધારકોને નોટિસ ફટકારીને દસ્તાવેજો રજુ કરવાની સુચના આપી છે. મ્યુનિ.ના આ નિર્ણય સામે ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિ મેદાનમાં ઉતરી છે. મહાનગરપાલિકામાં ધરણા કરવા ગયેલા ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિ અને કોંગ્રેસના નેતાઓના વિરોધ વચ્ચે પોલીસે દરમિયાનગીરી કરતા દ્રશ્યો વાયરલ થયા હતા.  લોકોને ગાંધી ચીંધ્યા માર્ગે પણ વિરોધ નહીં કરવા દેતા કોંગ્રેસ લાલઘૂમ થઈ છે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 70 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા બોરતળાવ ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને વિવાદ સર્જાયો છે. મનપાએ નદીની આસપાસના 800થી વધુ ગેરકાયદેસર મકાનોને હટાવવા માટે નોટિસ ફટકારી છે, જેના વિરોધમાં સ્થાનિક રહીશો અને કોંગ્રેસના નેતાઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્ય સરકારની અમૃત-2 યોજના અંતર્ગત બોરતળાવથી કુંભારવાડા વિસ્તાર સુધીના નદી કિનારે આવેલા મકાનધારકોને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે નોટિસ પાઠવી મકાનના કાયદેસર દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. આ મુદ્દે અગાઉ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે રેલી યોજી કમિશનરને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા આજે ઝૂંપડપટ્ટી વસાહત રક્ષા સમિતિ અને કોંગ્રેસના આગેવાનોએ ધરણા યોજ્યા હતા. વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું, જેના પગલે પોલીસે તમામ વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી. હવે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે મહાનગરપાલિકા નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અને સ્થાનિક રહીશોના પુનર્વસવાટ બાબતે કેવો નિર્ણય લે છે.

હિત રક્ષક સમિતિના સભ્ય લાલભા ગોહિલે જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને ધરણાનો કાર્યક્રમ કરવા માંગતા હતા. ત્યારે ગઢેચી નદીના શુદ્ધિકરણની વાહિયાત વાતો કરીને હજારો લોકોને બેઘર કરવાનો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોનો ઉદ્દેશ છે, તેની સામે અમે વિરોધમાં ધરણા કરવાના હતા. અમને મંજૂરી ન આપે તો શું થાય?. પોલીસને મોકલી અને દબાણપૂર્વક બળજબરીથી ધરપકડ કરી નિલમબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ ધરપકડથી અમે મૂંઝાવા નથી. અમારા જોશમાં કોઈ કમી નથી આવી. છેલ્લા શ્વાસ સુધી આ મુદ્દા પર અમે લડત આપીશું. આ લોકોને ભાન નથી પડતી, તો આના કરતા પણ વધારે ઉગ્ર આંદોલન કરતા આવડે છે, એ બતાવીશું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code