મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં વનકર્મીઓ માટેના 183 વાહનોને ફ્લેગ ઓફ કરાવ્યું
ગાંધીનગર, 29 જાન્યુઆરી 2026: વનસંપદા અને વન્ય જીવ સૃષ્ટિમાં સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ, સંવર્ધન, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની વિવિધ કામગીરી માટે ફિલ્ડમાં ફરજ બજાવતા વનકર્મીઓને ચોક્કસ પ્રકારની ખાસ સુવિધાથી સજ્જ વાહનો આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં આવા 183 વાહનોને આજે ગુરુવારે સવારે ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સ ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ, પ્રોટક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
મુખ્યમંત્રી આ વાહન ફ્લેગ ઓફ કરાવતા પૂર્વે વહેલી સવારે સિંહ દર્શન માટે ગયા હતા અને દિવસની શરૂઆત ગીર ફોરેસ્ટ માં શિયાળાની ઠંડી સાથે કુદરતના ખુશનુમા સાનિધ્યમાં કરીને સિંહ દર્શનની રોમાંચક અનુભૂતિ કરી હતી.
મુખ્યમંત્રીએ ખાસ સુવિધાથી સજ્જ આ વાહનોનું સંબંધિત વનકર્મીઓને ફાળવણી માટે ફ્લેગ ઓફ કરાવ્યું તે અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, અગ્રમુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ની પણ આ વેળાએ મુલાકાત લીધી હતી.ગીર, બૃહદગીર અને સમગ્ર લાયન લેન્ડસ્કેપ તેમજ રાજ્યના અન્ય વન વિસ્તારોના વનકર્મીઓ માટે આ નવા ફાળવાયેલા વાહનો વધુ સક્ષમતાપૂર્વક ફરજો બજાવવા અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપયુક્ત બનશે.
મુખ્યમંત્રી જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ સાસણ ગીરમાં પહોંચ્યા હતા. ગઈ કાલે રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રીએ બહાર નીકળી એક કોમન મેનની જેમ બજારમાં તેઓ લોકોને મળ્યા હતા. એટલું જ નહીં તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિ વાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતુ,


