
- વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર, દરિયાપુર ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી,
- ગરબામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રીએ ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો,
- મુખ્યમંત્રીએ ગરબી ખાતે આરતીમાં સહભાગી થઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા
ગાંધીનગરઃ રાજ્યભરમાં શક્તિ અને આરાધનાનું પર્વ નવલી નવરાત્રિ ઊજવાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવોમાં ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.ચોથા નોરતાની રાતે મુખ્યમંત્રી અમદાવાદ પૂર્વના વસ્ત્રાલ, નિકોલ, બાપુનગર, ધીકાંટા, દરિયાપુર ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં સહભાગી થયા હતા. વસ્ત્રાલમાં માધવ હોમ્સ ખાતે, નિકોલમાં ખોડલધામ મેદાન ખાતે તેમજ શ્રીનાથ સોસાયટી ખાતે, બાપુનગરમાં બહુચર માતા મંદિર ખાતે, દરિયાપુરમાં મહાકાળી મિત્ર મંડળ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અને ઘીકાંટા ખાતે શિવ શક્તિ માંઈ ઘીકાંટા યુવક મંડળ આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગરબા મહોત્સવમાં આયોજકો તેમજ સોસાયટીના રહીશો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગરબી ખાતે આરતીમાં સહભાગી થઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ખેલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. નિકોલમાં શ્રીનાથ પાર્ક ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી પહોચ્યા ત્યારે સ્વદેશી અપનાયેન્ગે, ભારત કો આત્મનિર્ભર બનાએન્ગેના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.
નિકોલમાં ખોડલધામ મેદાન ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ખોડલધામ ખોડલ ગરબા મહોત્સવમાં સહકાર મંત્રી મંત્રી જગદીશ વિશ્વકર્મા, મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, સાંસદ હસમુખભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફિયા, વલ્લભ કાકડિયા, વસ્ત્રાલના માધવ હોમ્સ ખાતે પૂર્વ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, બાપુનગર બહુચર માતા મંદિર ખાતે સ્થાનિક ધારાસભ્ય દિનેશભાઈ કુશવાહા, દરિયાપુર ખાતે સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન તેમજ વિવિધ સ્થળોએ ગરબા મહોત્સવોમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, સ્થાનિક ધારાસભ્યો, એએમસીના પદાધિકારીઓ તેમજ સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.