
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી એ શનિવાર , 7 સપ્ટેમ્બરના રોજ ઉજ્વાનારું વિઘ્નહર્તા-સુખકર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, સમાજ જીવનમાં પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ તેજોમય બનાવશે એવી મંગલકામના પણ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યક્ત કરી છે.
આજે (7 સપ્ટેમ્બર)થી દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ગણેશ ચતુર્થીના શુભ અવસરે વિઘ્નો દૂર કરનાર અને પ્રથમ પૂજનીય દેવતાની પૂજાનો સવારથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલ પર તમામ દેશવાસીઓને શ્રી ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ મોકલી છે.
આ વર્ષે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવી રહી છે. ભગવાન ગણેશને હિંદુ ધર્મમાં અવરોધો દૂર કરનાર અને પ્રથમ પૂજાય દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેઓ અશુભતાને દૂર કરે છે અને શુભ પરિણામ આપે છે. ગણેશ ચતુર્થીથી 10 દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થાય છે. દેશના લગભગ દરેક ભાગમાં સવારે મંદિરોમાં ભગવાન ગણેશની આરતી કરવામાં આવી હતી.
મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પા મોર્યાના પવિત્ર મંત્રોચ્ચાર સાથે પ્રથમ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આવું જ દ્રશ્ય લાલબાગચા રાજા મંદિરમાં જોવા મળ્યું હતું. નાગપુરના ટેકડી ગણેશ મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી હતી. ગુજરાતમાં અમદાવાદમાં વસ્ત્રાપુર ના મહાગણપતિ મંદિરમાં સવારની આરતી કરવામાં આવી હતી.