
- વાવ, સુઈગામ, થરાદ અને ભાભરમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે,
- મુખ્યમંત્રીએ ગઈકાલ બાદ આજે ફરી પૂરગ્રસ્તોને મળીને નુકસાનીની વિગતો મેળવી,
- નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા કરાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં અતિવૃષ્ટિએ ભારે તારાજી કરી છે. 5 દિવસ પહેલા પડેલા વરસાદના પાણી હજુ પણ ભરેલા છે. પશુપાલન, ખેતીવાડી સહિત ભારે નુકસાની થઈ છે. મુખ્યમંત્રીએ બનાસકાંઠાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની ગઈકાલે ગુરૂવારે મુલાકાત લીધા બાદ આજે શુક્રવારે ફરીવાર બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને સમીક્ષા કરી છે. આજે વહેલી સવારે મુખ્યમંત્રીએ વાવના માડકા ગામની મુલાકાત લઇને પુરગ્રસ્ત લોકો સાથે વાતચીત કરી હતી. બનાસકાંઠામાં પૂરની સ્થિતિને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જિલ્લાના અતિવૃષ્ટિ ગ્રસ્ત ચાર તાલુકાઓમાં પશુપાલકોને મફત ઘાસચારો અપાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઇકાલે સુઈગામ પહોંચ્યા હતા. જ્યાં સીએચસી સેન્ટર ખાતે 125 પરિવારો આશરો લઈ રહ્યા છે. સ્થળાંતરિત કરાયેલા લોકો સાથે વાર્તાલાપ કરી ખબર અંતર પૂછ્યા હતા. જે બાદ તેમણે 66 કેવી જલોયા વીજ સબ સ્ટેશન ખાતે પૂર અસરગ્રસ્તોની સાથે મુલાકાત કરી હતી. તેમની સમસ્યાઓને જાણી અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આપત્તિના આ સમયમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સુઈગામ પ્રાંત કચેરી ખાતે પદાધિકારીઓ તેમજ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પૂર અસરગ્રસ્ત વિસ્તાર તેમજ રાહત બચાવવાની કામગીરી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે સુઈગામમાં અધિકારીઓ સાથે મીટીંગ કર્યા બાદ થરાદ પહોંચ્યા હતા. થરાદના નાગલા ગામની મુલાકાત લીધી હતી. અહિં સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. જે પ્રકારે વરસાદના કારણે દર વર્ષે પાણી ભરાય છે તેના કાયમી નીકાલ માટે શું કરી શકાય તે બાબતે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.