
શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રનું 91 વર્ષની વયે નિધન, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલી
લખનૌઃ મશહૂર શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રનું ગુરુવારે 91 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ખાતે ગુરુવારે સવારે અંતિમ શ્વાસ લીધા.મળતી માહિતી મુજબ, શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રની તબિયત લાંબા સમયથી નાદુરસ્ત ચાલી રહી હતી. તેમને થોડા દિવસો પહેલા બીએચયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તબિયત સુધર્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે પાછા ફર્યા પછી પણ તેમની તબિયતમાં બહુ સુધારો થયો નહોતો અને ગુરુવારે સવારે મિર્ઝાપુરમાં તેમનું નિધન થયું. તેમના નિધનના સમાચારથી સંગીત જગતમાં શોકની લહેર ફરી વળી છે. પંડિત છન્નૂલાલ મિશ્રના અંતિમ સંસ્કાર ગુરુવારે સાંજે બનારસમાં કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત છન્નૂલાલ મિશ્રના નિધન પર ગહન દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક તસવીરો શેર કરતા લખ્યું, “સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેઓ જીવનપર્યંત ભારતીય કલા અને સંસ્કૃતિની સમૃદ્ધિ માટે સમર્પિત રહ્યા. તેમણે શાસ્ત્રીય સંગીતને જન-જન સુધી પહોંચાડવાની સાથે જ ભારતીય પરંપરાને વિશ્વ ફલક પર પ્રતિષ્ઠિત કરવામાં પણ પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. આ મારું સૌભાગ્ય છે કે મને હંમેશા તેમનો સ્નેહ અને આશીર્વાદ મળતા રહ્યા.” તેમણે આગળ કહ્યું, “વર્ષ 2014માં તેઓ વારાણસી બેઠક પરથી મારા પ્રસ્તાવક પણ રહ્યા હતા. શોકની આ ઘડીમાં હું તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!”
શાસ્ત્રીય ગાયક પંડિત છન્નૂલાલ મિશ્રનો જન્મ 3 ઓગસ્ટ 1936ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. પંડિત છન્નૂલાલ મિશ્ર કિરાના અને બનારસ ઘરાનાના મુખ્ય ગાયક હતા. તેમણે માત્ર છ વર્ષની ઉંમરે પોતાના પિતા પંડિત બદ્રી પ્રસાદ મિશ્ર પાસેથી સંગીતની પ્રાથમિક શિક્ષણ લીધી અને નવ વર્ષની ઉંમરે ઉસ્તાદ ગની અલી સાહેબ પાસેથી ખયાલ ગાયકીની બારીકાઈઓ શીખી. તેમના દાદા, ગુદઈ મહારાજ શાંતા પ્રસાદ, એક પ્રસિદ્ધ તબલા વાદક હતા, જેમની પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો.