સુરત,20 જાન્યુઆરી 2026: શહેરના સરથાણા જકાતનાકા ગઢપુર રોડ પર નવ જીવન સર્કલ પાસે આવેલા એક બિલ્ડિંગની એક ઓફિસમાં કોબ્રાના ઝેરનો સોદો થતો હતો ત્યારે જ બાતમીને આધારે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગૃપ (એસઓજી)એ રેડ પાડીને કોબ્રાનું ઝેર વેચવા માટે આવેલા વડોદરાના એક વકીલ સહિત 5 શખસો તેમજ સુરતમાં મરેજ બ્યુરો ચલાવતા વદ્ધ સહિત 7 લોકોને 5.85 કરોડની કિંમતના કોબ્રાના ઝેર સાથે ઝડપી લેવાયા હતા.
ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબ્રા સાપનું ઝેર પકડાયુ છે. આ ઓપરેશનમાં લસકાણા પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબ્રા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5,85,00,000 રૂપિયા હોવાનું કહેવાય છે.
સુરત એસઓજીના પીઆઈ એ પી. ચૌધરી અને પીએસઆઈ આર એમ.સોલંકીએ બાતમીના આધારે 7 શખસોને 5.85 કરોડની કિંમતના કોબ્રાના ઝેર સાથે ઝડપી લઈને આરોપીઓની પૂછતાછ કરતા એવું જાણવા મળ્યુ હતું કે, કોબ્રાનું ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડપ્રેશર, કેન્સરની સહિતની કેટલીક દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.
એસઓજીના સૂત્રોના કહેવા મુજબ કોબ્રાના ઝેર સાથે ધરપકડ કરાયેલા 7 આરોપીમાં સુરતના 2 અને વડોદરાના 5 શખસનો સમાવેશ થાય છે. જેમાં 67 વર્ષીય મનસુખ ઘીનૈયા, 60 વર્ષીય ચીમન ભુવા, 41 વર્ષીય સમીર પંચાલ, 74 વર્ષીય પ્રવીણ શાહ, 50 વર્ષીય કેતન શાહ, 54 વર્ષીય મકરંદ કુલકર્ણી અને 40 વર્ષીય પ્રશાંત શાહ સામેલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ઈરાદો સફળ થઈ શક્યો નહીં.
આ ઓપરેશન બાદ હવે સુરત પોલીસ આ ઝેરના સપ્લાય ચેઈનની ઊંડી તપાસ કરી રહી છે. ખાસ કરીને અમદાવાદના સોનીની શોધખોળ ચાલી રહી છે જેણે આ ઝેર પૂરું પાડ્યું હતું. ગુજરાતમાં આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થતા વન્યજીવ સુરક્ષા અને ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા છે.


