1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતમાં લોકોની વતન જવા માટે ભીડ, એક્સ્ટ્રા એસટી બસોની સેવા
સુરતમાં લોકોની વતન જવા માટે ભીડ, એક્સ્ટ્રા એસટી બસોની સેવા

સુરતમાં લોકોની વતન જવા માટે ભીડ, એક્સ્ટ્રા એસટી બસોની સેવા

0
Social Share
  • બે દિવસમાં 13000 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો,
  • સૌરાષ્ટ્રના પ્રવાસીઓ ગૃપ બુકિંગ કરાવીને એકસાથે પ્રવાસ કરી રહ્યા છે.
  • બે દિવસમાં એસટીએ 45 લાખની આવક કરી

સુરતઃ શહેરમાં હીરા અને ટેક્સટાઈલ તેમજ અન્ય ઉદ્યોગોમાં અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. શહેરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકોનો સારોએવો વસવાટ છે. અને શહેરમાં રહેતા બહારગામના  લોકો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી પોતાના માદરે વતન જવા લોકોની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એસટીની એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં 13000 પ્રવાસીઓએ એસટીની એક્સ્ટ્રા બસો દ્વારા વતન જવા રવાના થયા છે.

સુરત શહેરમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના અનેક પરિવારો વસવાટ કરે છે. અને સુરતના હીરા અને કાપડ વ્યવસાય સાથે સંકળાઇ પોતાની કર્મભૂમિ બનાવી દીધી છે. ત્યારે હાલ દિવાળી વેકેશનને લઈને મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જતા હોય છે. ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સરળતા માટે 2200થી વધુ બસ મૂકવામાં આવી છે. આ બસોનું ગ્રુપ બુકિંગ કરવામાં આવ્યું હોય છે, તે સોસાયટીના દરવાજેથી ઉપાડવામાં આવે છે. વેકેશન પડતા જ બે દિવસમાં 240 બસ ઉપાડવામાં આવી છે, જેના થકી સુરત એસટી વિભાગને 45 લાખ રૂપિયાની આવક થઈ છે.

એસટી નિગમ દ્વારા  પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે.  શહેરમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી 26થી 30 ઓક્ટોબર દરમિયાન એક્સ્ટ્રા 2,200 જેટલી એસ.ટી. બસો મૂકવામાં આવી છે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને ‘એસ.ટી. આપના દ્વારે’ યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોચાડવામાં આવી રહ્યા છે. ‘એસ.ટી. આપના દ્વારે’ અંતર્ગત માદરે વતન જઈ રહેલા કતારગામના મુસાફરોની આંબા તલાવડી પાસે નિરૂ ફાર્મ અને ધારૂકા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી લોકો બસમાં બેસી વતન જઈ રહ્યા છે. હીરા ઉદ્યોગમાં મંદી હોવાના કારણે આ વખતે ખાનગી લક્ઝરીના ભાડા રત્નકલાકાર પરિવારોને પોસાય તેવું ન હોવાથી એસટીમાં જવા વાળાની ભીડ વધારે જોવા મળી હતી. 400થી વધારે બસોનું બુકિંગ ઓનલાઇન થયું હતું અને બાકીના સ્થળ પર એક બસના પેસેન્જર થઈ જાય એટલે બસને ઉપાડવામાં આવે છે.

સુરતથી ગુજરાતના અલગ-અલગ સિટી અને ગામડાઓ સુધી છેલ્લા બે દિવસથી એસટી બસ ઉપાડવામાં આવી રહી છે. છેલ્લા બે દિવસમાં 240થી વધી બસ ઉપાડવામાં આવી હતી. આ બસ થકી 13,000 જેટલા લોકો પોતાના વતન પહોંચ્યા હતા. આ મુસાફરોના કારણે સુરત એસટી વિભાગની રૂપિયા 45 લાખની આવક થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code