અમદાવાદ, 22 જાન્યુઆરી 2026: શહેરના જજીસ બંગલો રોડ પર એનઆરઆઈ ટાવરમાં રહેતા યશરાજસિંહ ગોહિલ ગત મોડી રાતે રિવોલ્વર ફેરવતા હતા તે સમયે તેમના પત્ની રાજેશ્વરીબાને અકસ્માતે ગોળી વાગતા ત્વરિત 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. 180ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા આઘાતમાં આવી જઈને યશરાજસિંહ ગોહિલે ગોળી મારીને આત્મહત્યા કરી હતી. યશરાજસિંહ ગોહિલ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા છે. અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગત મોડી રાત્રે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે સમયે અકસ્માતે પત્નીના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓ સહિત કાફલો દોડી આવ્યો હતો. અને બન્નેના મૃતદેહને અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા.જ્યાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં આજે બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવામાં આવ્યા છે, જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યશરાજસિંહ અને તેમના પત્ની રાજેશ્વરીબા ગઈકાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા. આ મામલે વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહતો.
108 ઈમરજન્સી સેવાના સૂત્રોના કહેવા મુજબ ગઈ રાતે 11.45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાની ઘટના બનતા તરત જ યશરાજસિંહે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમના માતા પણ ફ્લેટમાં હાજર હતા. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે. મૃતક યશરાજસિંહ પરિવારના એકના એક દીકરા હતા, જેમનું મોત થયું છે. યશરાજસિંહે સાલ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, NSUIમાં પણ તે કાર્યરત હતા.


