AMC દ્વારા ફાયર વિભાગમાં પરીક્ષા વિના સીધી ભરતી સામે કોંગ્રેસે વિરોધ કરતા ઈન્ટરવ્યુ રદ
- સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં મૌખિક ઈન્ટરવ્યુ સામે વિરોધ,
- સરકારના નિયમોની મ્યુનિના સત્તાધિશો અવગણના કરે છે,
- વડાપ્રધાન મોદી પણ દરેક ભરતીમાં લેખિત પરીક્ષાના આગ્રહી રહ્યા છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં લેખિત પરીક્ષાનો છેદ ઉડાવી દઈને મૌખિક ઈન્ટરવ્યુના આધારે ભરતી કરવા સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. લાગતા-વળગતાઓને લેવા માટે જ લેખિત પરીક્ષા ન લઈને મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સીધી ભરતી કરવામાં આવી રહી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. મૌખિક ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે અને લેખિત પરીક્ષા લઈને ભરતી કરવામાં આવે એવી કોંગ્રેસે માગ કરી હતી. કોંગ્રસે વિરોધ કરતા મ્યુનિના સત્તાધિશોએ કાલે મંગળવારે યોજાનારા મૌખિક ઈન્ટરવ્યુ રદ કરી દીધા હોવાનું જાણવા મળ્યુ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરોની ભરતીમાં કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા સિવાય માત્ર મૌખિક ઇન્ટરવ્યૂ લઈને ભરતી કરવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ફાયરબ્રિગેડમાં ભરતી કૌભાંડ થવા જઈ રહ્યું છે. વર્ગ 3 અને 4ના કર્મચારીઓની ભરતી માટે લેખિત પરીક્ષા લેવાની હોય છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં માત્ર મૌખિક ઇન્ટરવ્યૂ લઈને સેટિંગવાળાઓને ઓર્ડર આપી દેવાશે. ત્યારે આ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે અને લેખિત પરીક્ષા લઈને ભરતી કરવામાં આવે એવી કોંગ્રેસે માગ કરી હતી. ભારે વિરોધ થતા AMCએ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધા છે અને લેખિત પરીક્ષા લેવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યુ છે.
મ્યુનિના વિપક્ષના નેતાના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત જુલાઈ 2024માં સહાયક સ્ટેશન ઓફિસર માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં કુલ 8 જેટલા સહાયક સ્ટેશન ઓફિસર લેવાના છે. આ ભરતી પ્રક્રિયામાં આવતીકાલે 2 ડિસેમ્બર 2025ના રોજ 32 જેટલા ક્વોલિફાઇ થયેલા ઉમેદવારોને સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વર્ગ-3 અને 4ની ભરતી માટે અને ભૂતકાળમાં વડાપ્રધાને પણ આ વર્ગના કર્મચારીઓની ભરતી માટે લેખિત પરીક્ષા લેવી જોઈએ. એવો આગ્રહ રાખ્યો હતો. જેના કારણે ભરતીમાં કોઈપણ કૌભાંડ ન થાય. જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈપણ પ્રકારના આ ઠરાવને માનતું ન હોય તેમ તેમની વિરુદ્ધ જઈને મૌખિક પરીક્ષા લઈ રહ્યું છે. જોકે વિરોધ થતા મૌખિક ઈન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે.


