
- વરસાદને લીધે કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો,
- કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા,
- મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે મંત્રી બચુ ખાબડની ધરપકડની માગ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિવિધ સૂત્રો સાથે હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને વિધાનસભાની બહાર ભારે વિરોધ કર્યો હતો. અગાઉ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ રાજ્યમાં વરસાદની સ્થિતિ જોતા ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રદ કર્યો હતો. જો કે, કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભાની બહાર હાથમાં પોસ્ટરોને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાત વિધાન સભા સંકૂલ બહાર કોંગ્રના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા, કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા તુષાર ચૌધરી, સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપની નિષ્ફળ સરકારના વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. અને ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દાઓને લઈને હાથમાં પોસ્ટરો રાખી દેખાવો કર્યા હતા. મનરેગામાં ભ્રષ્ટાચાર મુદ્દે બચુ ખાબડની ધરપકડની માગ સહિતના મુદ્દે કોંગ્રેસ સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.
ગુજરાત વિધાનસભા સંકુલ આસપાસ લોખંડી સુરક્ષા ગોઠવાયો છે. સત્ર દરમિયાન ગાંધીનગર શહેરમાં 2 એસપી, 6 ડીવાયએસપી, 30 પોલીસ ઈન્સ્પેક્ટર, 60 પોલીસ સબ ઈન્સ્પેક્ટર તેમજ 500થી વધુ પોલીસ સહિત એસઆરપી જવાનો તહેનાત કરાયા છે. એટલું જ નહીં કોઈપણ ઘટના સમયે તાત્કાલિક પહોંચી વળવા ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ગોઠવવામાં આવી છે. વિધાનસભા સંકુલ ફરતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. વિધાનસભા ઘેરાવને પગલે પાટનગરની કિલ્લેબંધી કરાઈ છે.