- વરતેજ નજીક જિલ્લા જેલનું 90 ટકાથી વધુ કામ પૂર્ણ કરાયું
- જેલમાં કેદીઓને થિયેટરથી લઈ મોર્ડન કિચન અને મેડિટેશન હોલની સુવિધાઓ મળશે,
- જેલમાં પુરૂષ કેદીઓ માટે 5 યાર્ડ અને મહિલા કેદી માટે 1 યાર્ડ બનાવાશે
ભાવનગરઃ શહેરની જેલમાં કેદીઓની સંખ્યા વધતા જાય છે. અને જેલ વર્ષો જૂની હોવાથી શહેર નજીક વરતેજના ફરિયાદકા ગામ પાસે 100 વીધામાં રૂપિયા 90 કરોડના ખર્ચે નવી જેલના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. વર્ષ 2018થી નવી જેલના નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણતાના આરે છે. જેલનું હવે 10 ટકા જ કામ બાકી રહ્યું છે. આગામી માર્ચ 2026 સુધીમાં જેલ તૈયાર થઈ જવાની શક્યતા છે.
શહેરના વરતેજ નજીક આવેલા ફરિયાદકા ગામ પાસે બની રહેલી વિવિધ સુવિધાસભર આ જિલ્લા જેલનું કામ કુલ 4 ફેઝમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાંથી 3 ફેઝનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને ફેઝ-4નું કામ પણ 90 ટકા જેટલું પૂર્ણ થઈ ગયું છે. જેલમાં પુરૂષ કેદીઓ માટે 5 યાર્ડ બનશે અને મહિલા કેદી માટે 1 યાર્ડ બનશે. જેલ ક્ષમતા 660 કેદીની રહેશે. જેમાં 30 બેરેક હશે. જ્યારે 1 બેરેકમાં 20 કેદીને રાખી શકાશે. મહિલા કેદી માટે બનવવામાં આવેલા એક યાર્ડમાં 2 બેરેક હશે, જેની કેપેસિટી 40ની રહેશે. તેમજ 20 કેદી માટે હાર્ડકોર બેરક બની રહી છે. નવી જેલના પરિસર ફરતે 5 ટાવર બનવવામાં આવી રહ્યા છે અને જિલ્લા જેલના તમામ જગ્યાઓ સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા જેલના કર્મચારી માટે 94 ક્વાર્ટર પણ બનવવામાં આવી રહ્યા છે, સાથે હથિયાર ધારી ગાર્ડ માટે 3 માળનું આધુનિક બિલ્ડીંગ બનાવાશે.
ભાવનગર જિલ્લા જેલ સુપ્રિટેન્ડન્ટ ડી.ડી પ્રજાપતિના કહેવા મુજબ ભાવનગર જિલ્લાની જૂની જેલ છે એ 1918માં બનાવેલી છે. હાલ ભાવનગરની જૂની જિલ્લા જેલની કેપેસિટી 387 કેદીની છે, જેની સામે આજની તારીખે 740 કેદીને રાખવામાં આવ્યા છે. સરકારના જે વિકાસશીલ કાર્યો છે તેમાં પણ જેલને પાછળ રાખવામાં આવેલ નથી. જેલને પણ સરકારના જે વિકાસના કામો છે એમાં જેલને પણ આવરી લેવામાં આવી છે. ‘હાલ ભાવનગર જિલ્લાની નવી જેલનું વરતેજ નજીક આવેલા ફરિયાદકા ગામ પાસે નિર્માણ થઈ રહ્યું છે. જે નવી જેલ બનાવવા માટે અંદાજિત 90 કરોડથી વધુના ખર્ચે ચાર ફેઝમાં કામ મંજૂર થયેલા છે, જેમાં ત્રણ ફેઝના કામો પૂર્ણ થયેલા છે. 660 કેદીની ક્ષમતા ધરાવતી આ જેલમાં 620 પુરુષ અને 40 મહિલા કેદીને રાખી શકાશે.’
આજના સમયમાં નવા કાયદાના સુધારા પ્રમાણે તમામ આરોપીઓને કોર્ટમાં વીસી મારફત રજૂ કરવામાં આવે છે, તે મુજબ આ જેલમાં પણ એ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. નવી જેલ બનાવવાની શરૂઆત વર્ષ 2018થી કરવામાં આવી હતી. પરંતુ ફેઝ વાઇઝ કામો મંજૂર થયા હોવાથી થોડું મોડું કામ થયું છે અને ફેઝ-4 નું કામ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં આ જેલ સરકાર હસ્તક જેલ હસ્તક સોંપવામાં આવશે.


