 
                                    - અગ્નિ સંસ્કાર માટે સુકા લાકડાં ન હોવાથી ના પાડવામાં આવી,
- એએમસીના હેલ્થ વિભાગે લાકડા પુરા પાડતી એજન્સીને નોટિસ ફટકારી,
- લાકડા પુરી પાડતી ખાનગી એજન્સી સામે કડક પગલાં લેવા લોકોમાં માગ ઊઠી
અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા મ્યુનિ. સંચાલિત સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે લાકડા ન હોવાથી એક પરિવારને તેના મૃતક સ્વજનની વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરીને અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી હતી. સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન હોવાથી નાછૂટકે મૃતહેદને ટાયર સળગાવીને અગ્નિસંસ્કાર કરવા પડ્યા હતા.
શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્માશનગૃહમાં મોતનો મલાજો ન જળવાયો. અંતિમવિધિ માટે વાહનના ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવા પરિવાર મજબુર બન્યો હતો. સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ઉપલબ્ધ ન થતા નાછૂટકે પરિવારને અગ્નિ સંસ્કાર કરવા પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 12000 કરોડનું બજેટ ધરાવતા મ્યુનિના તંત્ર માટે આ શરમજનક બનાવ હતો. અગ્નિ સંસ્કાર કરતા પરિવારજનોને ચાર કલાક જેટલો સમય અંતિમ વિધિ માટે થયો હતો. પરિવારજનોએ એએમસીના સીસીઆરએસમાં પણ ફરિયાદ કરી છે. અગાઉ સ્મશનોમાં ઓછા લાકડા આપી વધુ ચાર્જ લેવાનું કૌભાંડ પણ સામે આવ્યું હતું. મ્યુનિ, દ્વારા સ્મશાનમાં લાકડાં પુરા પાડવાનો ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયેલો છે. અને કોન્ટ્રાકટરની બેદરકારીને લીધે ઓઢવ સ્મશાનમાં સુકા લાકડાનો સ્ટોક હતો નહીં,
સૂત્રોના કહેવા મુજબ વિવેકાનંદ ગ્રામોદ્યોગ સંઘ નામની એજન્સી પાસે ઓઢવ સ્મશાન ગૃહનો ચાર્જ છે. આ મુદ્દે કોંગ્રેસના નીરવ બક્ષીએ કહ્યું કે, સામાન્ય વ્યક્તિ માટે આ હ્નદયદ્રાવક સ્થિતિ કહેવાય. ભીના લાકડાનું બહાનું કાઢવામાં આવે છે. મૃતકના ટાયરથી અંતિમ સંસ્કાર કરવામાં આવે એ કેટલું દુઃખદ છે. લોકોના મોતમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. દરમિયાન ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ એએમસીના સત્તાધિશોએ લાકડા પુરા પાડતી એજન્સીને નોટિસ ફટકારી મોટો દંડ વસૂલવાની પ્રક્રિયા હાથ ધરી છે. ડેપ્યુટી હેલ્થ ઓફિસરે પણ ઓઢવ સ્મશાનની મુલાકાત લીધી હતી.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

