1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાવ-થરાદના તખતપુરા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતી પાકને નુકસાન
વાવ-થરાદના તખતપુરા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતી પાકને નુકસાન

વાવ-થરાદના તખતપુરા ગામની સીમમાં નર્મદા કેનાલમાં ગાબડું પડતા ખેતી પાકને નુકસાન

0
Social Share

થરાદ,  2 ફેબ્રુઆરી 2026:  વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળતા ખેડૂતોના એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ આ અંગે નર્મદા નિગમના અધિકારીને રજુઆત કરાતા કેનાલમાં પાણી બંધ કરીને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાં નર્મદાની માઇનોર કેનાલમાં આશરે 20 ફૂટથી વધુ મોટું ગાબડું પડ્યું હતું. જેના કારણે લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. કેનાલ તૂટી જવાથી ઊભા પાકને મોટો ફટકો પડ્યો છે. અને એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ સંબંધિત વિભાગ પાસે તાત્કાલિક કેનાલનું સમારકામ કરવા અને નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.

તખતપુરા ગામના સ્થાનિક ખેડૂતોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડતા હોવા છતાં તંત્ર દ્વારા કાયમી સમારકામ કરવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતોને દર વખતે નુકસાન વેઠવું પડે છે. આ અંગે ખેડુતોએ નર્મદા વિભાગના અધિકારીને રજુઆત કરી હતી.

નર્મદા નિગમના અધિકારી પી.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે કેનાલમાં નીલ (કાદવ) આવવાને કારણે ગાબડું પડ્યું હતું. હાલ કેનાલમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે અને સમારકામની કાર્યવાહી ત્વરિત હાથ ધરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code