Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં 5મી ડિસેમ્બરથી યોજાનારા AMC શોપિંગ ફેસ્ટિવલ માટે કરોડો ખર્ચાશે

અમદાવાદમાં 5મી ડિસેમ્બરથી યોજાનારા AMC શોપિંગ ફેસ્ટિવલ માટે કરોડો ખર્ચાશે

અમદાવાદ, 28 ઓગસ્ટ, 2026 : AMC Shopping Festival from December 5th,  શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવેલથી લઈને વિવિધ ઉત્સવો પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી 5 ડિસેમ્બર 2026થી 16 જાન્યુઆરી 2027 સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.  જો કે, દર વર્ષે યોજાતા આ ફેસ્ટિવલ પાછળ થતો ખર્ચ ચર્ચાનો વિષય બન્યો છે. વર્ષ 2025માં શોપિંગ ફેસ્ટિવલ પાછળ 19.31 કરોડ રૂપિયા અને 2024માં 7.14 કરોડ રૂપિયા મળીને બે વર્ષમાં કુલ 26.45 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાંય આ શોપિંગ ફેસ્ટિવલ ફ્લોપ શો સાબિત થાય છે. તેમ છતાં ચાલુ વર્ષે ફેસ્ટિવલ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરીને શોપિંગ ફેસ્ટિવલ યોજવાનું નક્કી કરાતા પ્રજાના ટેક્સના પૈસાના વેડફાટ અંગે શહેરીજનોમાં જ ચર્ચા જાગી છે.

અમદાવાદ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી 5 ડિસેમ્બર 2026થી 16 જાન્યુઆરી 2027 સુધી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ શોપિંગ ફેસ્ટિવલ પાછળ કેટલો ખર્ચ કરાશે તે અંગે હજુ કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. શોપિંગ ફેસ્ટિવલમાં લાઇટિંગ, થીમ ડેકોરેશન, સ્ટોલ, ડોમ, ગેટ, બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વિવિધ ઇવેન્ટ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવતી હોય છે. બે વર્ષના ખર્ચના આંકડા જોતા ફેસ્ટિવલ પાછળ થતો ખર્ચ સતત વધ્યો હોવાનું સામે આવે છે. તેમ છતાં AMCને આ આયોજનથી સીધી આવક કે નાણાકીય ફાયદો કેટલો થાય છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. બીજી તરફ, અગાઉના ફેસ્ટિવલમાં વેપારીઓને અપેક્ષિત લાભ નહીં મળ્યો હોવા છતાં ફરી એક વખત કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

ગત વર્ષે યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલના કેટલાક બિલો હજુ સુધી ચૂકવવામાં આવ્યા ન હોવાની રજૂઆત ખુદ ભાજપના એક સભ્ય દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. હવે ચાલુ વર્ષે ફેસ્ટિવલનું આયોજન કઈ રીતે કરવામાં આવશે અને તેની પાછળ કેટલો ખર્ચ થશે તે અંગેનું પ્રેઝન્ટેશન મેયર, ડેપ્યુટી મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓ સમક્ષ રજૂ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular