અમરેલી, 28 ઓગસ્ટ, 2026 : Inauguration of ‘Gujarat Gaurav Sarovar’ in Dudhala village જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજી ધોળકિયા સંચાલિત ‘ધોળકિયા ફાઉન્ડેશન’ દ્વારા ₹4 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.
સરોવરના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, પદ્મશ્રી સવજીભાઈએ આત્માને અદભૂત શાંતિ મળે તેવું કાર્ય કર્યું છે. વર્ષ 2001 પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં જળસંચયના અભૂતપૂર્વ કામો થયા છે, જેના લીધે છેલ્લા 25 વર્ષથી રાજ્યમાં એક પણ વાર દુષ્કાળ નથી પડ્યો અને સમગ્ર ગુજરાત જળ-સમૃદ્ધ બની દુકાળ મુક્ત થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુધાળા અને આસપાસના વિસ્તારમાં વર્ષ 2017થી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળસંચયની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તે સમયે આ સમગ્ર પંથક ખારાપાટ તરીકે ઓળખાતો હતો અને પાણીની અછતને કારણે ખેતી કરવી મુશ્કેલ હતી. ગાગડિયા નદી વિસ્તારમાં પણ પાણીનો જથ્થો નહિવત્ હોવાથી ખેડૂતોની જમીનો સૂકી રહેતી હતી
ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી નદી-નાળામાં પાણી રોકવા માટે ચેકડેમ અને સરોવરો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગાગડિયા નદી વિસ્તારમાં આશરે 57 કિલોમીટરના પટમાં અલગ-અલગ સ્થળોએ 40 જેટલા ચેકડેમ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ ફાઉન્ડેશન દ્વારા દુધાળા નજીક સરોવર અને તળાવો ઊંડા કરી જળસંચય માટે શરૂ કરાયેલું અભિયાન હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વિસ્તર્યું છે. સંસ્થા દ્વારા કુલ 208 જેટલા સરોવર નિર્માણના કામ હાથ ધરાયા છે, જેમાંથી 198 સરોવરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. અમરેલી ઉપરાંત કચ્છ, મહીસાગર, સિદ્ધપુર, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં જળસ્રોતોને ઊંડા કરવા અને પાણી બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પદ્મશ્રી સવજી ધોળકિયાએ જણાવ્યું કે, ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવું ગૌરવની વાત છે. તેમણે જણાવ્યું કે, અમિત શાહે અગાઉ તેમને એક સરોવર પોતાના માટે બાકી રાખવાનું કહ્યું હતું અને ભારત માતા સરોવરની બાજુમાં આ સરોવર તૈયાર કરવામાં આવ્યું છે. તેમના હસ્તે આજે લોકાર્પણ થવાથી દુધાળા અને સમગ્ર અમરેલી જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ છે.


