ગાંધીનગર, 25 માર્ચ 2026: Cyber fraud ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરીકાળ દરમિયાન સાબર ફ્રોડ અને ડ્રગ્સના મામલે વિપક્ષે સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો, અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા 201 કરોડથી વધુ સાયબર ફ્રોડ થયા હોવાનો ગૃહમાં ખૂલાશો કરાતા કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવાયા હતા. કોંગ્રેસના અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં સાયબર ફ્રોડના આંકડાથી લઈને સાબરકાંઠા ડ્રગ્સ કેસમાં પોલીસકર્મીઓ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવાની તૈયારીમાં છે. ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્નોના જવાબોમાં મંત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિષયાંતર અને અપૂરતી માહિતીને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક વલણ અપનાવી મંત્રીઓ સહિત અધિકારીઓને પણ જાહેરમાં ઠપકો આપ્યો હતો. કોંગ્રસના અમિત ચાવડા દ્વારા ગૃહમાં ઉઠાવાયેલા પ્રશ્નમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 1,34,45,44,975 અને સુરત શહેરમાં 66,93,10,941 જેટલો સાયબર ફ્રોડ થયા હતા. જે કુલ મળીને 2,01,38,55,916 થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા અમદાવાદ શહેરના ગુન્હાઓમાં 664 આરોપીઓ પકડાયા છે, જ્યારે અમદાવાદમાં 664 અને સુરત શહેરના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા 680 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 49 કરોડથી વધુ અને સુરતમાં 6 કરોડથી વધુની રકમ રિકવર કરવામાં આવી છે.તેવી માહિતી આપવામાં આવી હતી
વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ ગૃહમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, સાબરકાંઠામાં નશીલા પદાર્થોના કેસમાં જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. PSI, ASI, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ સામે શિસ્તભંગના પગલાં લેવાયા છે. ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં મંત્રી કમલેશ પટેલે જણાવ્યું કે, અરજદારની ઉંમર, રહેઠાણ અને સિવિલ સુપરિન્ટેન્ડન્ટ દ્વારા તપાસ થાય છે. મુંબઈ લિકર એક્ટ હેઠળ પરમિટ માટે 25,000 માસિક આવક અને છેલ્લા 8 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ફરજિયાત છે.
આજે ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન કેટલાક મંત્રીઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હોવાથી અધ્યક્ષ શંકર ચૌધરીએ કડક ટિપ્પણી કરી હતી. મંત્રીઓને સ્પષ્ટ સૂચના આપી કે પ્રશ્નને સમજીને ચોક્કસ જવાબ આપે. અધ્યક્ષે અધિકારીઓને ખખડાવતા જણાવ્યું કે, મંત્રીઓને યોગ્ય રીતે બ્રીફ કરવી તેમની જવાબદારી છે. વિધાનસભામાં અધિકારીઓ માત્ર દર્શક બનીને બેસવા માટે આમંત્રિત નથી કરવામાં આવતા તેનુ ધ્યાન રાખવું જોઈએ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નનો જવાબ આપતા મંત્રી જયરામ ગામીત વિષયાંતર જઈ રહ્યા હતા. અધ્યક્ષે તરત જ તેમને ટોકી યોગ્ય જવાબ આપવા સૂચના આપી હતી.(file photo)


