
- ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં ફસાય છે,
- મની લોન્ડરિંગ કેસની ધમકી આપીને 8 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા,
- શિક્ષકની પત્નીનો નંબર મેળવી તેમને પણ ધમકાવ્યાં
અમદાવાદઃ સાયબર માફિયાઓ ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને લોકો પાસે લાખો રૂપિયાનો ફ્રોડ કરી રહ્યા છે. સીબીઆઈ કે સરકારની કોઈપણ એજન્સી દ્વારા કોઈને પણ ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી.સરકાર દ્વારા આવી વારંવાર જાહેરાતો કરવા છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં ફસાય રહ્યા છે. સાયબર માફિયાઓની જાળમાં ફસાયાનો વધુ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા એક નિવૃત શિક્ષક અને તેમના પરિવારને સાયબર માફિયાઓએ અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 38.70 લાખ પડાવ્યા હતા. મની લોન્ડરિંગ અને પોર્નોગ્રાફીના પ્રકરણમાં તમારા સામે ફરિયાદ થઈ હોવાનું કહી નિવૃત્ત શિક્ષક પાસેથી 38.70 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ બાબતે શિક્ષકે અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ શહેરના જીવરાજપાર્કમાં રહેતા નિવૃત શિક્ષક મહેશભાઈ પરમારના મોબાઈલ ફોન પર 12મી સપ્ટેમ્બરે અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ટ્રાઈના અધિકારી અજય મહેતા તરીકે આપી હતી. તેણે કહ્યું હતું કે તમારા આધારકાર્ડ સાથે એક સિમકાર્ડ લિંક છે એ તમારા આધારકાર્ડ પરથી લેવાયું છે. આ સિમ મારફત સેક્સ્યૂઅલ પોર્નોગ્રાફી અને અશ્લીલ વીડિયો લોકોને મોકલીને તેમને પરેશાન કરવામાં આવ્યા હોવાની ફરિયાદ તમારા વિરુદ્ધ દાખલ થઈ છે. આટલું કહી તેણે આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ચાલતી હોવાનું કહ્યું હતું, સાથે ફોન આઈપીએસ અધિકારી સંદીપ રોયને ટ્રાન્સફર કર્યો હતો. સંદીપ રોયે પણ આ બાબતે મહેશભાઈને ડરાવ્યા હતા અને વિજય ગોયલના મની લોન્ડરિંગ કેસમાં પણ તમારી સંડોવણી અને અઢી કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની વાત કરી હતી, સાથે-સાથે નરેશ ગોયલ જ તેના સ્ટેટમેન્ટમાં તમારું નામ લખાવ્યું હોવાનું કહી મહેશભાઈને ડરાવ્યા હતા.
મહેશભાઈ મુબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે આવેલી કોલથી ગભરાઈ ગયા હતા. ત્યારબાદ થોડીવારમાં સંદીપ રોયે તેમને વીડિયો કોલ કર્યો હતો અને હવેથી આ કેસની તપાસ અમારા સિનિયર આઇપીએસ વિજય ખન્ના કરશે, એમ કહી તેમની સાથે વાત કરાવી હતી. વીડિયો કોલમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની ઓફિસ દેખાતી હતી. વિજય ખન્નાએ મહેશભાઈની પત્નીનો નંબર પણ મેળવી લીધો હતો અને તેના પર કોલ કર્યો હતો. સમગ્ર પરિવારને ડરાવ્યા બાદ તેમનાં તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલિટ કરાવી દીધાં હતાં. ત્યાર બાદ સતત વીડિયો કોલ કરી તેમની પર વોચ રાખવામાં આવતી હતી, સાથે-સાથે તમામ બેંક એકાઉન્ટ, રોકાણો તથા વાહનોની વિગતો મેળવી ચાર દિવસમાં તેમની પાસેથી કુલ 38.70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ તમામ રૂપિયા લીધા હોવાની રસીદ પણ મોકલી હતી, જોકે આ રૂપિયા પરત આપી દેવાની ખાતરી આપી હતી. મહેશ પરમારને ડિજિટલ એરેસ્ટ કર્યા હોવાનું ધ્યાનમાં આવતાં તેમને સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.
સાયબર માફિયાઓ ડરાવવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. આરોપીઓએ મહેશભાઈ પરમારને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે આઈપીએસ અધિકારી યુનિફોર્મમાં હતો અને મુંબઈ ક્રાઈમ બ્રાંચનો સેટ ઊભો કરાયો હતો.