વડોદરા, 1 સપ્ટેમ્બર, 2026 : Senior citizen and son digitally arrested ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાની જાળમાં ફસાઈને લાખો રૂપિયા ગુમાવે છે. પોલીસ કે કોઈ એજન્સીના નામે કોઈને પણ ડિજિટલ એરેસ્ટ કરી શકાતા નથી તેમ સરકાર ગાઈ-વગાડીને કહી રહી હોવા છતાયે ભણેલા લોકો જ સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે. વડોદરા શહેરમાં માતા-પૂત્રને ડિજિટલ એરેસ્ટ કરીને ભેજાબાજ ઠગોએ પોતાને SBI, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ, CBI અને RBIના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવી મની લોન્ડરિંગના ગંભીર કેસમાં ફસાવી જેલમાં ધકેલવાની ધમકી આપીને રૂપિયા 1.53 કરોડની રકમ પડાવી લીધી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર પરિવારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં સાયબર માફિયાઓએ આતંક મચાવીને માતા અને પુત્રને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી પરિવારના 5 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાંથી કુલ 1,53,04,047ની જંગી રકમ પડાવી લીધી હતી. સાયબર માફિયાઓએ પોતાને SBI, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ, CBI અને RBIના ઉચ્ચ અધિકારીઓ તરીકે ઓળખાવી મની લોન્ડરિંગના ગંભીર કેસમાં ફસાવી જેલમાં ધકેલવાની ધમકી આપી હતી. સતત દિવસ-રાત વીડિયો કોલ પર રાખીને પરિવારની મિલકત, મ્યુચ્યુઅલ ફંડ અને ફિક્સ ડિપોઝિટની માહિતી મેળવીને આ આખી રકમ ટ્રાન્સફર કરાવી લેવામાં આવી હતી.
સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 31 જુલાઈના રોજ એક અજાણ્યા શખસે સિનિયર સિટિઝન મહિલાને કોલ કર્યો હતો. કોલરે જણાવ્યું હતું કે તેમના સ્વર્ગસ્થ પતિના નામે મુંબઈથી ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ થયું છે અને તેમાંથી રૂ. 1 લાખનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. ગભરાયેલી સિનિયર સિટિઝન મહિલાએ પોતાના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ તરત જ વોટ્સએપ મારફતે પોલીસ યુનિફોર્મ પહેરેલા એક વ્યક્તિએ વીડિયો કોલ કરીને પોતાની ઓળખ મુંબઈ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી. આરોપીઓએ ઓળખ કાર્ડની વિગતો મેળવીને પરિવાર વિરુદ્ધ કરોડોના મની લોન્ડરિંગનો કેસ હોવાનો ભય બતાવ્યો હતો અને ઓનલાઇન ઇન્કવાયરીના નામે કેમેરો સતત ચાલુ રાખવા દબાણ કર્યું હતું.
સાયબર ઠગોએ પરિવાર પર એવો માનસિક ત્રાસ ગુજાર્યો હતો કે સિનિયર સિટિઝન મહિલા અને તેનો પુત્ર દિવસ-રાત કેમેરા સામે બેસી રહેવા મજબૂર બન્યા હતા. 3 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓએ RBI અને અન્ય બેંકોના સત્તાવાર લાગતા બોગસ લેટરપેડ, નકલી સહી-સિક્કાવાળા પત્રો મોકલીને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સરકારી સુરક્ષિત ખાતામાં પૈસા જમા કરાવવા જણાવ્યું હતું. ડરી ગયેલા પરિવારે પોતાની જીવનભરની કમાણી, ફિક્સ ડિપોઝિટ તોડીને તેમજ અન્ય ખાતાઓમાંથી કુલ 1.53 કરોડથી વધુની રકમ વિવિધ બેંક ખાતાઓમાં ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધી હતી.
આ સમગ્ર ઘટના દરમિયાન પરિવારના એક નજીકના પરિચિત સાથે વાતચીત થતાં તેમણે આ એક જાણીતી ‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર છેતરપિંડી હોવાની શક્યતા દર્શાવી પરિવારને તાત્કાલિક સાવચેત કર્યા હતા. વાસ્તવિકતા સમજાતાં જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેમણે વિલંબ કર્યા વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી જે બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્સફર થઈ છે તેના આધારે આ આંતરરાજ્ય સાયબર ગેંગના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


