
- બંને કાર્ડ લિન્ક ન હોય તો વધુ ટીડીએસ-ટીસીએસ કપાઈ જતો હતો,
- આ નિર્ણયથી અનેક ડિડક્ટર્સ અને ટેક્સપેયર્સને નોટિસથી છૂટકારો મળશે,
- બે મહિના અંદર પાનકાર્ડ ફરીથી સક્રિય થાય તો પણ વધુ દર લાગુ નહીં થાય.
અમદાવાદઃ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક કરવું ફરજિયાત છે. છતાં હજુ ઘણાબધા પાનકાર્ડ ધારકોએ આધારકાર્ડ સાથે લિન્ક કર્યું નથી. ત્યારે આવકવેરા વિભાગે (સીબીડીટી) ટેક્સ ભરનારાઓ અને ટીડીએસ-ટીસીએસ કાપનારાઓ માટે રાહતદાયક નિર્ણય લીધો છે. આધાર અને પાનકાર્ડ લિન્ક કરવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી છે. અત્યાર સુધી જો આધાર કાર્ડ-પાનકાર્ડ લિન્ક ન હોય તો તે નિષ્ક્રિય માનવામાં આવતું હતું અને એ કારણે ટીડીએસ અથવા ટીસીએસ વધુ કપાતો હતો. હવે મુદતમાં વધારો કરાતા કરદાતોઓ અને રિટર્ન ભરનારાઓને રાહત થશે.
આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક ન કરવાને લીધે ઘણા કરદાતાઓને આવી બાબતોમાં નોટિસો મળતી હતી અને ડિપાર્ટમેન્ટ તરફથી ડિમાન્ડ ઊભી કરાતી હતી. હવે સીબીડીટીએ સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિનું પાનકાર્ડ 1 એપ્રિલ 2024થી 31 જુલાઈ 2025 વચ્ચેની ચૂકવણી માટે 30 સપ્ટેમ્બર સુધીમાં લિંક કરાવશે તો ટીડીએસ કે ટીસીએસ વધુ નહીં કપાય. તે જ રીતે 1 ઓગસ્ટ 2025 પછી જે પણ ચૂકવણી થશે, એ કિસ્સામાં જો બે મહિના અંદર પાનકાર્ડ ફરીથી સક્રિય થાય તો પણ વધુ દર લાગુ નહીં થાય. આ નિર્ણયથી અનેક ડિડક્ટર્સ (કાપનારાઓ) અને ટેક્સપેયર્સને નોટિસથી છૂટકારો મળશે. હવે જેમનું પાનકાર્ડ અત્યાર સુધી નિષ્ક્રિય હતું પણ હવે આધાર સાથે લિંક કરીને સક્રિય કર્યું હોય તેમને હાલના ટીડીએસ-ટીસીએસના મુદ્દામાં કોઈ વધુ દર ભરવાનો ભાર નહીં આવે. સીબીડીટીનો આ નિર્ણય એ લોકો માટે લાભકર્તા છે જેમણે વિલંબથી પણ પાનકાર્ડ લિન્ક કરી નાખ્યું છે.
આઈટી વિભાગના સૂત્રોના કહેવા મુજબ આ નિર્ણયથી ડિડક્ટર-કલેક્શન એજન્ટ્સને મોટી રાહત મળશે. જૂની માનીને લગતી માંગણીઓ અને પેનલ્ટીની સ્થિતિમાં સુધારો થશે. એવા ટ્રાન્ઝેક્શનમાં જ્યાં પાનકાર્ડ તે સમયે ઇનઑપરેટિવ હતું પરંતુ પછી લિન્ક થવાથી સક્રિય થયું હોય ત્યાં ટીડીએસ-ટીસીએસ વધુ દરે નહીં કપાય.