- કંડલા પોર્ટને લીધે 24 કલાક ટ્રાફિક ધમધમતો રહે છે,
- ગાંધીધામના બાહ્ય વિસ્તારથી કંડલા સુધી બાયપાસ માર્ગનું નિર્માણ કરવા માગ,
- ગાંધીધામમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે
ગાંધીધામઃ ભારતનું પ્રથમ નંબરનું કંડલાનું દીન દયાલ પોર્ટ આયાત નિકાસના ઊંચા લક્ષ્યાંક સિદ્ધ કરી રહ્યું છે ત્યારે ગાંધીધામથી કંડલા સુધી ભારે વાહનોની સતત અવરજવરથી વારંવાર તથા ટ્રાફિક જામની સમસ્યાથી સ્થાનિક લોકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. આથી ગાંધીધામના બાહ્ય વિસ્તારમાથી કંડલા સુધી એક્સપ્રેસ બાયપાસ માર્ગનું નિર્માણ કરવાની માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચાએ માગણી કરી છે.
તેમણે જણાવ્યું હતું કે દીન દયાળ પોર્ટના સતત વિકાસના કારણે સતત ટ્રાફિકથી ધમધમતા ગાંધીધામ શહેર વચ્ચેથી પસાર થતા માર્ગો હાલમા આ યાતાયાતને પહોચી વળવા પૂરતા ન હોઇ સાથે સાથે ગાંધીધામ સંકુલમાં વાહનોની સંખ્યામાં પણ સતત વધારો થવાથી, વાહનોની પાર્કિંગની જગ્યાનો અભાવ , મુખ્ય માર્ગ પર આડેધડ વાહનોની પાર્કિંગના કારણે એકાંતરે અકસ્માતો સર્જાતા રહે છે. દ્વિચક્રી અને ચાર ચક્રી વાહનો માટે તો મુખ્ય માર્ગથી પસાર થવુ માથાનો દુ:ખાવો અને ખતરનાક સાબિત થઈ રહ્યુ છે. અનેક દ્રીચક્રીય વાહન ચાલકોના આ માર્ગ પર ટ્રાફિકના કારણે અકસ્માતમાં અવસાન થયાના દાખલાઓ મોજુદ છે. ગાંધીધામમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ નજીક હોવાથી રેલવે સ્ટેશનની સામે નિર્માણ પામેલા ઓવર બ્રિજ પાસે એસ.ટી .બસોને બસ સ્ટેન્ડની અંદર જવા માટે રસ્તો ન હોવાથી તેમને ના છૂટકે સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં જવું પડતું હોઇ જે પણ અનેક વખત ટ્રાફિક જામ અને અકસ્માતનું કારણ બની રહ્યુ છે. ત્યારે કંડલા પોર્ટ ગાંધીધામ શહેર પહેલા મીઠીરોહર અથવા ખારી રોહર ગામના બાહ્ય વિસ્તારમાંથી એક્સપ્રેસ બાયપાસ રોડનું નિર્માણ કરે તો આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકાય તેમ છે સાથે સાથે અનેક ઘણો સમયનો બગાડ થતો અટકાવી શકાય છે. જેનાથી પોર્ટને પણ કરોડો રૂપિયાનો ફાયદો થશે. વાહનોના કિંમતી ડીઝલ પેટ્રોલનો પણ બચાવ થશે
તેમણે ઉમેર્યુ હતું કે, ગાંધીધામ કંડલા વચ્ચે આમ તો ઓવર બ્રીજ અને બન્ને તરફ સર્વિસ રોડ બનેલા છે પણ વાહન વ્યવહાર સતત વધી રહ્યો હોવાથી સર્વિસ રોડ તો ઠીક ઓવર બ્રિજ ઉપર પણ આડેધડ ભારે વાહનો પાર્કિંગ કરી દેવાતા હોય છે જેને કારણે અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા છે. ત્યાર. જો બાયપાસનું નિર્માણ કરાય તો આ સમસ્યામાંથી કાયમી છૂટકારો મેળવી શકાય તેમ છે.