
- પ્રાથમિકની જેમ માધ્યમિક શાળાઓની પરીક્ષા નવરાત્રી બાદ યોજવી જોઈએ,
- આચાર્ય સંઘ દ્વારા માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેનને રજુઆત કરાઈ,
- આ વખતે ખૂબ જ વહેલી પરીક્ષા યોજાવાની હોવાથી અભ્યાસક્રમ પૂરો કરવો મુશ્કેલ
અમદાવાદઃ નવા શૈક્ષણિક કલેન્ડરમાં માધ્યમિક શાળાઓની પરીક્ષા 11મી સપ્ટેમ્બરથી યોજાશે. એટલે કે, પ્રથમ શૈક્ષણિક સત્રમાં શિક્ષણ કાર્યના માત્ર 76 દિવસ જ મળે છે. એટલે અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકે તેમ નથી. તેથી માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા પ્રાથમિક શાળાઓની જેમ માધ્યમિક શાળાઓની પરીક્ષા નવરાત્રી બાદ યોજવાની માગ કરવામાં આવી છે,
ગુજરાતમાં શૈક્ષણિક કલેન્ડર મુજબ માધ્યમિક શાળાઓમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ 11મી સપ્ટેમ્બરથી શરૂ થશે. એટલે કે નવરાત્રી પહેલા જ પરીક્ષા શરૂ થઈને પૂર્ણ પણ થઈ જશે. આ વર્ષે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ પરીક્ષા નવરાત્રી પછી પ્રાથમિક શાળાની પરીક્ષાઓ સાથે શરૂ કરવા બાબતે માધ્યમિક શાળા આચાર્ય સંઘ દ્વારા ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પ્રથમ પરીક્ષા પ્રાથમિક શાળાઓની પરીક્ષા સાથે નવરાત્રી પછી અને દિવાળી વેકેશન પહેલા લેવાય તે માટે યોગ્ય કરવા વિનંતી પણ કરવામાં આવી છે.
આ રજૂઆતમાં આચાર્ય સંઘે જણાવ્યું છે કે માધ્યમિક શિક્ષણ બોર્ડના કેલેન્ડર પ્રમાણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ નવમી જૂનથી શરૂ થયો છે. અને 76 દિવસના અભ્યાસ પછી 11 સપ્ટેમ્બરથી પ્રથમ પરીક્ષા શરૂ થવાની છે . દર વખતે પ્રાથમિક શાળાઓ સાથે પરીક્ષા ગોઠવવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ખૂબ જ વહેલી પરીક્ષા માધ્યમિક શાળાઓમાં ગોઠવવામાં આવી છે, જેથી ટૂંકા સમયગાળામાં અભ્યાસક્રમ પૂર્ણ કરીને પરીક્ષા લેવાનું થાય છે. કેટલીક શાળાઓમાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં શિક્ષકો પણ મળ્યા નથી, જેથી અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ છે. સાથે સાથે પ્રથમ પરીક્ષા પણ વહેલી પૂરી થવાથી પરીક્ષા પછી શાળામાં વિદ્યાર્થીઓની અનિયમિતતા વધુ જોવા મળે છે. આ બધા સંજોગોને ધ્યાને રાખીને શિક્ષણ બોર્ડ એ પ્રથમ પરીક્ષા પ્રાથમિક શાળાઓની પરીક્ષા સાથે નવરાત્રી પછી અને દિવાળી વેકેશન પહેલા લે તે માટે યોગ્ય કરવું જરૂરી બની ગયું છે.