
ભોપાલઃ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના હરપાલપુર સ્ટેશન પર ટ્રેનનો ગેટ ન ખુલવાને કારણે મુસાફરોએ કોચ પર પથ્થરમારો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૌની અમાવસ્યાને લઈને ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે ટ્રેન ઝાંસીથી રવાના થઈ અને હરપાલપુરના રેલ્વે પ્લેટફોર્મ પર પહોંચી, ત્યારે ટ્રેનના દરવાજા ખુલતા ન હતા. અંદર બેઠેલા મુસાફરોએ ગેટ બંધ કરી દીધો હતો. જ્યારે ગેટ ખોલવામાં આવ્યો, ત્યારે પ્લેટફોર્મ પર હાજર ભીડ ગુસ્સે થઈ ગઈ અને કોચ પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી ટ્રેનનો કાચ તૂટી ગયો હતો. આ ઘટના બાદ ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી.
હરપાલપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પુષ્પક શર્માએ જણાવ્યું કે રાત્રે લગભગ 2 વાગ્યે હરપાલપુર રેલ્વે સ્ટેશન પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને યોગ્ય સૂચના આપીને ટ્રેનને રવાના કરી દીધી હતી. ખજુરાહો અને છતરપુરમાં પણ લોકોએ હંગામો મચાવ્યો છે. ઝાંસી રેલ્વે ડિવિઝનના પીઆરઓ મનોજ સિંહે જણાવ્યું હતું કે પ્રયાગરાજ જવા માટે લોકોની ભીડ હતી. કેટલીક મહિલાઓ અને પુરુષો ટ્રેનનો દરવાજો ખોલવા માટે કહી રહ્યા હતા. જ્યારે દરવાજો ન ખુલ્યો ત્યારે લોકોએ હોબાળો મચાવ્યો હતો. વીડિયોમાં કેટલાક લોકો કાચની તોડફોડ કરતા જોવા મળ્યા હતા.