અંબાજી, 1 ફેબ્રુઆરી 2026: સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજે મહા સુદ પૂનમના પાવન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરમાં મંગળા આરતી દરમિયાન ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ ગુંજી ઉઠ્યા હતા. સિદ્ધિ વિનાયકની આરતી, માતાજીની આરતી અને ત્યારબાદ અંબિકેશ્વર મહાદેવની આરતીમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શક્તિપીઠ ગણાતા યાત્રાધામ અંબાજીમાં આજે મહાસુદ પૂનમ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને ભાવિકોએ માં જગદંબાના દર્શનનો લાભ લીધો હતો. પૂનમ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઈટોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે વાતાવરણ વધુ ભક્તિમય બન્યું હતું, શક્તિદ્વારથી લઈને દરેક ગેટ સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સવારની મંગળા આરતીમાં પણ ભક્તોની ભારે ભીડ હતી, જે દર્શાવે છે કે મહા સુદ પૂનમે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પવિત્ર યાત્રાધામમાં દરરોજ હજારો માઈભક્તો દર્શનાર્થે આવે છે, પરંતુ પૂનમ જેવા ખાસ દિવસોએ ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.


