1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષકોની મહેનતના લીધે વાલીઓ બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશની પ્રાથમિકતા આપે છેઃ CM
શિક્ષકોની મહેનતના લીધે વાલીઓ બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશની પ્રાથમિકતા આપે છેઃ CM

શિક્ષકોની મહેનતના લીધે વાલીઓ બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશની પ્રાથમિકતા આપે છેઃ CM

0
Social Share
  • બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે,
  • વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ,
  • મુખ્યમંત્રીએ 19 જિલ્લાના 37 શિક્ષકોને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા

ગાંધીનગરઃ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન -વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ 19 જિલ્લાના અંતરિયાળ વિસ્તારના 37 શિક્ષકો-સારસ્વતોને તેમના નિવાસ સ્થાને આમંત્રીને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’ યોજ્યો હતો.

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે શુભેચ્છા આપતા કહ્યું હતું કે, કર્મના સિદ્ધાંત મુજબ આપણે હંમેશા સારા કાર્ય કરતા રહીએ તે જરૂરી છે. શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે. શિક્ષક હંમેશા તમામ માટે પ્રેરણારૂપ હોય છે. બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.સરકાર હંમેશા નકારાત્મકતાને હકારાત્મક રીતે લઈને તેના ઉપર શિક્ષણના વિકાસ માટે કાર્ય કરી રહી છે આપણે પણ શિક્ષણમાં આ મંત્રને અપનાવવો જોઈએ.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે તેમ,જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષકોએ બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સિમિત ન રાખતા સાથો સાથ વ્યવહારુ જ્ઞાન પણ પીરસવું જોઈએ.સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે, જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે સાથે સાથે બાળકોમાં પોષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી,વીજળી શૌચાલય,સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટીબદ્ધ છે.

મુખ્યમંત્રી ઉમેર્યું કે, રાષ્ટ્રના ભાવીનો આધાર વિદ્યાર્થીઓ પર રહેલો છે ત્યારે દેશનો દરેક બાળક શિક્ષણ મેળવે તે જરૂરી છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષિત બને તે માટે શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે. શાળા અને બાળકોના વિકાસ માટે SMC સાથે ગામના શિક્ષણપ્રેમી લોકોનો પણ વધુને વધુ સહયોગ લેવો જોઈએ જેથી શિક્ષણકાર્યને વધુ બળ મળે તેમ‌ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજયની છેવાડાની શાળામાં પણ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધાઓ મળતી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી અનેક યોજનાઓ અમલી બનાવી છે.

આજે ‘શિક્ષક દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સારસ્વત સાથે ‘પ્રેરણા સંવાદ’ના પ્રથમ મણકાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ખેરોજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક  રાજેશ્રીબેન પ્રહલાદભાઈ પટેલ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક  નીતિનકુમાર મહેન્દ્રભાઈ પાઠક તેમજ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની પે-સેન્ટર કુમારશાળાના મદદનીશ શિક્ષક  લીલુબેન ભરતભાઈ ગોઢાણીયા સાથે પ્રેરણા સંવાદ કર્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી વિવિધ યોજનાઓથી શિક્ષણમાં થતા ફાયદાઓનો પણ શિક્ષકોએ તેમના પ્રતિભાવોમાં ખાસ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિત સૌ શિક્ષકોને સન્માનપત્ર આપ સન્માનિત કરીને‌ તેમણે શિક્ષણ ક્ષેત્રે કરેલી કામગીરીને બિરદાવીને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code