1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં પકવાન ક્રોસ રોડ પર ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ ડમ્પર ઝાડ સાથે અથડાયુ
અમદાવાદમાં પકવાન ક્રોસ રોડ પર ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ ડમ્પર ઝાડ સાથે અથડાયુ

અમદાવાદમાં પકવાન ક્રોસ રોડ પર ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ ડમ્પર ઝાડ સાથે અથડાયુ

0
Social Share
  • અમદાવાદ શહેરમાં ડમ્પર દ્વારા અકસ્માતોના વધતા બનાવો
  • ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ ડમ્પરચાલકને મારમાર્યો
  • વ્યાસવાડી પાસે અકસ્માત કરીને પુર ઝડપે દોડાવીને પકવાન પાસે ડમ્પર ઝાડ સાથે અથડાયુ

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં પુરફાટ ઝડપે દાડતા ડમ્પરોને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, છેલ્લા 6 દિવસમાં શહેરમાં ડમ્પરની અડફેટે ત્રણના મોત નિપજ્યા છે. ત્યારે ગત રાતે શહેરના પકવાન ચાર રસ્તા પાસે પુર ઝડપે ડમ્પરે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ ડમ્પર ઝાડ સાથે અથડાયુ હતું. આ અકસ્માતમાં બે લોકોને ઈજાઓ થઈ હતી, આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. અને ડમ્પરચાલકને મેથીપાક આપીને પોલીસને હવાલે કર્યો હતો.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ગત મોડી રાતે શહેરના પકવાન ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બેથી ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જેમાં બે લોકોને ઇજા થઈ છે. અકસ્માતના આ બનાવને લીધે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ડ્રાઇવરને ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને અકસ્માત કરનાર આરોપી ડમ્પર ચાલક સુખલાલ પાંડોરની ધરપકડ કરી હતી.

સ્થાનિક લોકોના કહેવા મુજબ મોડી રાત્રે શહેરના પકવાન ચાર રસ્તા પાસે એક ડમ્પર ચાલક બેફામ સ્પીડે ડમ્પર ચલાવીને આવ્યો હતો અને એક્ટિવા સહિત અલગ અલગ વાહનોને ટક્કર મારી હતી. ત્યારબાદ એક ઝાડ સાથે ડમ્પર અથડાયું હતું અને તેના કારણે ઝાડ પણ પડી ગયું હતું. પકવાન રેસ્ટોરન્ટની પાસે બેઠેલા કેટલાય લોકો બચી ગયા હતા. જો રોડની સાઈડમાં ડમ્પર ચડી ગયું હોત તો અનેક લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હોત અને જાનહાનીની શક્યતા હતી. જો કે સબનસીબે લોકો બચી ગયા હતા. ઘટના બનતા લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા અને ડમ્પરચાલકને ઉતારી લોકોએ ઢોર માર માર્યો હતો. લોકોમાં એટલો રોષ જોવા મળ્યો હતો કે તેને માર મારીને અધમૂવો કરી નાખ્યો હતો. ત્યાં હાજર લોકોના જણાવ્યા મુજબ ડ્રાઇવર નવા વાડજ વ્યાસવાડીથી બેફામ સ્પીડમાં ડમ્પર ચલાવીને આવી રહ્યો હતો. લોકો પણ આ સ્પીડમાં ડમ્પર જોઈને ખૂબ જ ગભરાઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ અને ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ડ્રાઇવરને લોકોના મારથી બચાવી અને તેને લઈ ગઈ હતી. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code