- BRTS જંક્શનથી નજીકના સ્થળે જવા ઈ-રિક્ષાનુ પ્રતિ કિમી રૂ.10 ભાડું,
- પ્રવાસીઓ એપથી બુકિંગ કરાવી શકશે, મ્યુનિ.નું ખાનગી કંપની સાથે જોડાણ
- હેલમેટ ચારરસ્તા, યુનિવર્સિટીથી પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે
અમદાવાદઃ શહેરમાં બીઆરટીએસ બસ સ્ટેશન નજીકના વિસ્તારોમાં જવા માટે ફરજિયાત રિક્ષામાં જવું પડે છે. બીઆરટીએસની ટિકિટ કરતા નિયત સ્થળે પહોંચવા માટે રિક્ષામાં ત્રણ ગણા ભાડા ચૂકવવા પડતા હતા. તેથી હવે નિયત ભાડામાં ઈ-રિક્ષાની સેવા પ્રવાસીઓને ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીઆરટીએસ જંકશનથી નજીકના વિસ્તારોમાં જવા માટે પ્રતિ કિમી 10ના ભાડામાં ઈ-રિક્ષા સેવા મળી રહેશે.
શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે એએમસીએ ખાનગી કંપની સાથે જોડાણ કરી ઈ-રિક્ષાની સુવિધા શરૂ કરાશે. લોકો એપથી ઈ-રિક્ષા બુક કરી બીઆરટીએસ જંક્શન કે ઓફિસ સુધી જઈ શકશે. હાલમાં મેમનગર અને યુનિવર્સિટી જંક્શન પર આ પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ખાનગી કંપનીએ સવાર-ઈ નામની એપ્લિકેશન બનાવાઈ છે તેના પરથી ઘરે બેઠા રિક્ષા બુક કરી બીઆરટીએસ જંક્શન સુધી જઈ શકાશે અને આ એપ્લિકેશનમાંથી જ બીઆરટીએસની ટિકિટ બુક કરાવી શકાશે, જેથી ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. પ્રતિ કિલોમીટર રૂ.10 ચાર્જ લાગશે. જ્યારે ખાનગી રિક્ષા કે શટલ રિક્ષા પ્રતિ કિલોમીટર રૂ.15 ભાડું લે છે. હાલમાં 30 ઈ-રિક્ષા બંને જંક્શન પર મૂકવામાં આવી છે. એક વર્ષમાં 300થી વધુ ઈ રિક્ષા વિવિધ જંક્શન પર મૂકાશે. રોજ 30થી 40 લોકો તેનો ઉપયોગ કરે છે.
પ્રવાસીઓ સવાર-ઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં લોકોએ પ્રોફાઈલ બનાવવી પડશે. પછી તેમાં જ્યાંથી રિક્ષામાં બેસવાનું છે ત્યાંનું અને ક્યાં જવાનું છે ત્યાંનું લોકેશન નાખી બુક કરાવવાની રહેશે. સામાન્ય એપ્લિકેશનની જેમ આનો પણ ઉપયોગ કરવાનો રહેશે. સવાર-ઈ રિક્ષાથી લોકોને શેયરિંગ રિક્ષા અને સિંગલ પેસેન્જરની પણ સુવિધા મળશે. ઈ-રિક્ષાથી શહેરમાં પ્રદૂષણ ઘટશે અને અન્ય શટલ રિક્ષા કરતા સસ્તી પડશે. લોકોની સુવિધા માટે સવાર-ઈ એપ્લિકેશન અને ડ્રાઈવરો માટે સવાર-ઈ સારથી એપ્લિકેશન બનાવાઈ છે.


