ભાવનગર, 06 માર્ચ 2026: Accident between two cars on Bhavnagar-Ahmedabad highway હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર સનેસ ચોકડી નજીક બપોરના ટાણે આઈ ટ્વેન્ટી અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં અસ્થિ વિસર્જન કરીને પરત ફરી રહેલા પરિવારની ઈકો કારમાં સવાર 65 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય પાંચ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાના હેબતપુર ગામના રહેવાસી અજુભાઈ ખોડુભાઈ પરમાર (ઉ.વ. 65) તેમના સગા ભાઈના અસ્થિ વિસર્જન માટે ભાવનગરના કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવ મંદિર ગયા હતા. અસ્થિ પધરાવીને પરિવારના 6 સભ્યો GJ-38-BF-6404 નંબરની ઈકો કારમાં પોતાના વતન હેબતપુર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે હાઈવે પર અમદાવાદ તરફથી પૂર ઝડપે આવી રહેલી GJ-06-PE-6112 નંબરની હ્યુન્ડાઈ I-20 કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઈકો સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર અજુભાઈ ખોડુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા અન્ય પાંચ લોકોમાં મૃતકના પુત્ર મહેન્દ્રસિંહ નારસિંગભાઈ પરમારની હાલત ગંભીર છે. બાકીના ઘાયલોને પણ શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતાં વેળાવદર ભાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામુ કરીને આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે બંને વાહનો કબજે લઈને ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એક તરફ પિતાના અસ્થિ વિસર્જનની વિધિ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા પરિવારને આઘાત લાગ્યો છે, તો બીજી તરફ પુત્રની હાલત ગંભીર હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે.


