
- ધો.3થી 8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી ચાલશે,
- ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે,
- ધો.6થી ધો.8ની પરીક્ષા 80 ગુણની લેવાશે
અમદાવાદઃ રાજ્યમાં સરકારી શાળાઓમાં ધો.3થી ધો.8 સુધીની સત્રાંત પરીક્ષા 6 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષામાં ધો.3થી ધો.5ની પરીક્ષા 40 ગુણની લેવામાં આવશે જ્યારે ધો.6થી ધો.8ની પરીક્ષામાં પ્રશ્ન પત્ર 80 ગુણના રહેશે. આ પ્રથમ સત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્ય કક્ષાએ તૈયાર કરીને તમામ જિલ્લાના શિક્ષણ અને તાલીમ ભવનને આપવામાં આવશે. આ કસોટીમાં ધો.3થી 8માં વિવિધ વિષયોમાં જીસીઇઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમમાં જૂનથી ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી પ્રથમ ભાષા ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટી પત્રો રાજ્ય કક્ષાએથી આપવામાં આવેલા માળખા મુજબ શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમ જ સમાન સમય પત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે બાકીના વિષયોની કસોટી સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક શાળાઓએ નિયત માળખાના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલા સમય પત્રક મુજબ લેવાની રહેશે. જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય એ શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ જ લેવાની રહેશે. ધોરણ ત્રણ અને ધોરણ ચાર ના વિદ્યાર્થીઓએ કસોટી પત્રમાં ઉત્તરો લખવાના રહેશે જ્યારે ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબો લખવાના રહેશે.
સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયમાં નકશાઓ અને ગણિત વિષયમાં આલેખની જરૂર હોય તો તેની વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટી પત્રોની સાથે કરવાની રહેશે સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે તે શાળા કક્ષાએ કરવાની રહેશે.