- દરિયાની ભરતી સમયે પાણી ઘોઘા ગામમાં ઘૂંસી જાય છે,
- અંગ્રેજોના સમયમાં દરિયાકાંઠે સવા કિ.મી.લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી,
- એક સમયે ઘોઘાબંદર કે જે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું હતું
ભાવનગરઃ જિલ્લાનું ઘોઘા ગામ દરિયા કિનારે આવેલુ છે. અને ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે, અંગ્રેજોના સમયમાં દરિયાનું પાણી સુનામી કે હાઈટાઇડના કારણે ગામમાં ના ઘુસી જાય તે માટે દરિયાકાંઠે સવા કિલોમીટર જેટલી લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી. અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દીવાલ વર્ષ 1996-98 વર્ષથી નામશેષ બની છે, ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન દીવાલ જે ઘણા વર્ષોથી જમીન દોષ થઈ જતા દરિયામાં હાઈટાઇડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જાય છે, ત્યારે ગામને દરિયાઈ પાણીથી બચાવવા આ દીવાલને ફરી બનાવવામાં આવે તેવી સ્થાનિકો વર્ષોથી માગ કરી રહ્યા છે. પણ તંત્રના બહેરા કાને ગ્રામજનોની રજુઆતો સંભાળાતી નથી.
સૂત્રોના કહેવા મુજબ રાજ્ય સરકારના ચાર વિભાગ ગુજરાત મેરિટાઇમ બોર્ડ, લાઈટ હાઉસ, માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત અને અલંગ મરીન બોર્ડના સંકલન અભાવે ઘોઘા ગામ પર જોખમ તોળાઈ રહ્યું છે, રાજ્ય સરકારને વર્ષ 2023માં રિપોર્ટ સુપરત કરાયો હતો. પણ એ વાતને આજે 3 વર્ષ થયાં છતાં આજદિન સુધી કોઈ ચોક્કસ નિર્ણય થયો નથી.
ભાવનગરનું ઘોઘાગામ કે જે ઘોઘાબંદર તરીકે જાણીતું છે. આ ઘોઘાબંદર કે જે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું હતું, જ્યાં પહેલાના વહાણવટાના સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવક-જાવક રહેતી હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું. જે સમય જતા ઘોઘાબંદરમાં વહાણની અવરજવર ઓછી થઇ અને આજે અહીં માત્ર અલંગ સાથે કામગીરી કરતી ટગબોટની આવન જાવન જોવા મળી રહી છે. ઘોઘાબંદરના દરિયા કાંઠે ઘોઘા ગામ વસેલું છે, ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે, ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે. વર્ષો પહેલા ઘોઘા ગામને દરિયાઈ પાણીથી સુરક્ષા માટે દીવાલ બનાવવામાં આવી હતી. પરંતુ વર્ષ 1996-98 માં દરિયામાં વાવાઝોડા દરમિયાન આ દીવાલ દરિયાઈ મોજાની થપાટોના મારથી જમીન દોષ થઈ હતી. હાલ આ દીવાલનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે, આ દીવાલ નામશેષ થઈ જતા ગામલોકો દ્વારા તેને ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા તંત્રને વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, આ પ્રોટેક્શન દીવાલ 1121 મીટર (સવા કિલિમિટર) લાંબી છે, આ દીવાલની જવાબદારી 0થી 142 મીટર-ગુજરાત મેરીટાઇમ બોર્ડ, 142થી 273 મીટર (131 મીટર) લાઈટ હાઉસ, 273થી 644 મીટર (446 મીટર) પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ 644થી 827 મીટર (402 મીટર) અલંગ મરીન બોર્ડની મળી 4 અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતી ના બનતા આજદિન સુધી આ દીવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી.


