- વહેલી સવારથી યુરિયા ખાતર મેળવવા ડેપો પર ખેડૂતોની લાઈનો લાગી,
- રવિ સીઝનની વાવણી ટાણે જ ખાતરની તંગી સર્જાઈ,
- સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવા ખેડૂતોએ માગ કરી,
પાલનપુરઃ જિલ્લાના ખેડૂતો યુરિયા ખાતરની તંગીને લીધે પરેશાન થઈ રહ્યા છે. જિલ્લાના અમીરગઢ પંથકમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સારા વરસાદ બાદ રવિસીઝનના વાવેતર માટે ખાતરની જરૂરિયાત વધતા, ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.
અમીરગઢ તાલુકામાં રવિ સીઝનમાં ઘણા ખેડૂતોએ વાવણી કરી દીધી છે. જ્યારે ઘણા ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે. તાલુકામાં ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાકોનું મોટા પાયે વાવેતર થયું છે. આ પાકોને વાવણી સમયે અને વાવણી પછી પણ યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે. જેના કારણે યુરિયા ખાતરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉના વર્ષોની જેમ જ ખાતરની વ્યવસ્થા કરવી જોઈએ. ખેડૂતોએ વિનંતી કરી છે કે યુરિયાનો પુરવઠો ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમને લાંબી કતારોમાં ઊભા ન રહેવું પડે અને સમયનો બગાડ ટાળી શકાય.
ખેડૂતોએ એવી રજુઆતો કરી છે કે, આ વર્ષે સારા વરસાદને કારણે યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી છે. આ સ્થિતિમાં, સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને અમીરગઢ તાલુકામાં યુરિયાનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ખેડૂકોના કહેવા મુજબ અમીરગઢ તાલુકામાં આ વખતે સારા વરસાદના કારણે યુરિયા ખાતરની માગ વધતા અછત ઊભી થઈ છે. સરકારે અગાઉના વર્ષોમાં જે વ્યવસ્થા કરી હતી તે પ્રમાણે જલ્દીથી યુરિયાનો પુરતો પુરવઠો અમીરગઢ તાલુકાને ફાળવવામાં આવે તો લાંબી કતાર લાઈનોમાં ખેડૂતોને ન ઊભું રહેવું પડે અને સમયની બરબાદી ન થાય તે માટે ખેડૂતોની માટે ચિંતા કરતી સરકારને વિનંતી કરવામાં આવી છે.


