
- પતરાના શેડમાં બનાવેલા ઓનલાઈન કંપનીઓના 10 ગોડાઉનમાં લાગી આગ
- આગએ ભીષણરૂપ ધારણ કરતા મેજર કોલ અપાયો
- 19 ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવીને બે કલાકે આગને કાબુમાં લીધી
સુરતઃ શહેરના ડભોલી વિસ્તારમાં આવેલા મનીષ માર્કેટમાં મોડી રાતે આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકાળ રૂપ ધારણ કર્યું હતું, આગ લાગ્યાની જાણ થતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને આગ પર કાબુ મેળવવાનો પ્રસાસ કર્યો હતો, દરમિયાન આગ 10 જેટલા ગોદામોમાં પ્રસરતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.જોકે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ ળવી લેવાયો હતો.
શહેરના ડભોલી વિસ્તારમાં મનીષ માર્કેટમાં મોડીરાતે આગ ભભૂકી ઉઠી હતી. પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગેલી આગે જોતજોતામાં વિકરાળ રૂપધારણા કરતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ મહામહેનતે રાતના 2 વાગ્યાની આસપાસ આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં ગોડાઉન માલિકોને લાખોનું નુકસાન થયુ છે. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.
ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ જ આવેલા મનીષ માર્કેટમાં પતરાના શેડમાં અંદાજે 20 જેટલા ગોડાઉન બનાવી દેવામાં આવ્યા હતા. આ ગોડાઉનમાં ઓનલાઇન વેપાર કરતી અલગ-અલગ કંપનીનો માલ રાખવામાં આવ્યો હતો. ઓનલાઇન જે ગ્રાહકો માલ મંગાવતા હોય છે તેમનો અહીં સ્ટોક કરવામાં આવતો હતો અને ત્યારબાદ અહીંથી સપ્લાય કરવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગત મોડીરાતે એક તરફની 10 ગોડાઉનની લાઈનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ ખૂબ જ વધુ હોવાથી મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. લગભગ 13 ફાયર સ્ટેશનની 19 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર બોલાવવામાં આવી હતી. ચારે તરફથી આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. રાતના 2 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી. હાલ આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.