અમદાવાદ, 31 માર્ચ 2026: 5 people burnt in gas cylinder blast શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હતી. આગને લીધે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ કરાતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના નારણપુરા વિસ્તારમાં ચામુંડાનગર સોસાયટીના એક મકાનમાં આજે વહેલી સવારે કોઈ કારણસર એલપીજી ગેસનો સિલિન્ડર ફાટતા આગ લાગી હતી, ગેસ સિલિન્ડર ફાટવાના અવાજને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે મકાનમાં મોટું નુકસાન થયું છે. ધડાકો એટલો જોરદાર હતો કે, આજુબાજુના બે મકાનના પણ બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે આ ઘટના બની હતી. આ બનાવમાં રાજુભાઈ (ઉં.વ.35), હીરાભાઈ (ઉં.વ.45), મણિલાલ (ઉં.વ.46) અને સોહનભાઈ (ઉં.વ.50) દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ લીકેજ થયો છે, જેથી ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા, ત્યારે મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયેલો જોવા મળ્યો હતો. ઘરના સામાન અને ગાદલામાં આગ લાગેલી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગ લાગેલી જોવા મળી હતી. નાની ઓરડી જેવું મકાન હતું, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને મકાનના પોપડા ઉખડી ગયા હતાં. આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતાં. એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ બહાર દોડી આવ્યા હતા.


