
બાંગ્લાદેશ ક્રિકેટના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલને ક્રિકેટના સ્ટેડિયમમાં આવ્યો હાર્ટએટેક, હોસ્પિટલમાં ખસેડાયાં
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને હૃદયરોગનો હુમલો આવ્યો છે. મેચ રમતી વખતે તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ ઇકબાલ ઢાકા પ્રીમિયર લીગ (DPL) માં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમી રહ્યો હતો. ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઇકબાલે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી. ઢાકા પ્રીમિયર લીગમાં મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને શાઇનપુકુર ક્રિકેટ ક્લબની ટીમો આમને-સામને હતી. આ દરમિયાન તમીમ ઇકબાલને હાર્ટ એટેક આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્ડિંગ કરતી વખતે તમીમ ઇકબાલને અસ્વસ્થતા અનુભવા લાગી, ત્યારબાદ તેને ફઝીલાતુનેશા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તમીમ ઇકબાલનો મેડિકલ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. દરમિયાન, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના ફિઝિશિયન ડૉ. દેવાશીષ ચૌધરીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. હકીકતમાં, તમીમ ઇકબાલે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાની સાથે જ તેમને હોસ્પિટલ લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્રિકેટ વેબસાઇટ અનુસાર, તમીમે 50 ઓવરની મેચની પહેલી ઇનિંગ દરમિયાન આ ફરિયાદ કરી હતી, ત્યારબાદ તબીબી નિષ્ણાતો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા.
70 ટેસ્ટ મેચ ઉપરાંત, તમીમ ઇકબાલે 243 વનડે અને 78 ટી20 મેચોમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટેસ્ટ ફોર્મેટમાં, તમીમ ઇકબાલે 38.89 ની સરેરાશથી 5134 રન બનાવ્યા છે. આ ઉપરાંત, તેણે પોતાની ODI કારકિર્દીમાં 36.65 ની સરેરાશથી 8357 રન બનાવ્યા છે. તેણે બાંગ્લાદેશ માટે T20 ફોર્મેટમાં 117.20 ના સ્ટ્રાઇક રેટ અને 24.08 ની સરેરાશથી 1758 રન પણ બનાવ્યા છે. તમીમ ઇકબાલે વનડે મેચોમાં 10 સદી ફટકારી હતી. આ ઉપરાંત, તમીમ ઇકબાલના નામે ટેસ્ટ ફોર્મેટમાં 14 સદી છે. જ્યારે આ બેટ્સમેને T20 ફોર્મેટમાં એક વાર સદીનો આંકડો પાર કર્યો હતો.