
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઢાકાની એક કોર્ટે તેમના ધનમોન્ડી સ્થિત નિવાસસ્થાન ‘સુદાસદન’ અને તેમના પરિવારની કેટલીક અન્ય મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, કોર્ટે તેમના પરિવારના 124 બેંક ખાતા જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે.
બાંગ્લાદેશ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (BFIU) એ પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના, તેમના પરિવારના સભ્યો અને સંબંધિત વ્યક્તિઓ અને સંસ્થાઓના 124 બેંક ખાતાઓમાં કુલ 635.14 કરોડ રૂપિયા શોધી કાઢ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી આયોગ (ACC) ની અરજી બાદ ઢાકા મેટ્રોપોલિટન સિનિયર સ્પેશિયલ જજ ઝાકિર હુસૈન ગાલિબે આ આદેશ કર્યો હતો. શેખ હસીના ઉપરાંત, તેમના પુત્ર સજીબ વાજેદ જોય, પુત્રી સાયમા વાજેદ પુતુલ, બહેન શેખ રેહાના અને તેમની પુત્રીઓ ટ્યૂલિપ સિદ્દીકી અને રદવાન મુજીબ સિદ્દીકીની કેટલીક અન્ય મિલકતોને પણ કોર્ટે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે.
અહેવાલ મુજબ, BFIU એ આઠ જમીનના પ્લોટ જપ્ત કર્યા છે, જેમાં 1.80 કરોડ રૂપિયાની કિંમતનો 60 કાઠા રાજુક પ્લોટનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, વધુ જમીન છે, જેની કિંમત 8.85 કરોડ રૂપિયા છે. બાંગ્લાદેશ બેંક દ્વારા સ્ટેટ ગેસ્ટ હાઉસ જમના ખાતે મુખ્ય સલાહકાર ડૉ. મુહમ્મદ યુનુસની અધ્યક્ષતામાં મની લોન્ડરિંગ નિવારણ અંગેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ માહિતી આપવામાં આવી હતી.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે શેખ હસીના, તેમના પરિવાર અને તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને સંગઠનોની સંપત્તિ અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, મલેશિયા, સિંગાપોર, હોંગકોંગ અને કેમેન ટાપુઓમાં મળી આવી છે. તેમાં મલેશિયન ખાતામાં રશિયન કાળા નાણાંની હાજરીનો પણ ઉલ્લેખ છે.
તપાસ બાદ, શેખ હસીનાના પરિવારના સભ્યો અને સંબંધિત સંસ્થાઓ સામે છેતરપિંડી અને બનાવટીના આરોપસર છ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પરિવારના સાત સભ્યોને વિદેશ પ્રવાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.