
- પોલીસ ઈન્સ્પેકટરએ ટ્રકચાલક બનીને ટોળકીને પકડી પાડી,
- અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર 1 વર્ષમાં 15 જેટલી લૂંટની ઘટના બની હતી,
- મહિલાનો વેશ ધારણ કરીને હાઈવે પર ટ્રકચાલકોને ફસાવીને લૂંટ કરતા હતા
અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને ટ્રકચાલકોને લૂંટવાના બનાવો વધી રહ્યા હતા. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રકટાલકોને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા હતા. લૂંટારૂ શખસ સ્ત્રીનો વેશ ધારણ કરીને બની-ઠનીને હાઈવે પર મોડી રાતના સમયે ઊભા રહેતા હતા. અને હાથ ઊંચો કરીને ટ્રકને થોભાવીને ટ્રકચાલકને લલચાવતા હતા. દરમિયાન લૂંટારૂ શખસોના સાગરિતો આવીને ટ્રકચાલકને ધમકી આપીને લૂંટી લેતા હતા. અમદાવાદના વિવેકાનંદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એચ. એન. બારિયાને લૂંટારૂ ગેન્ગ વિશેના ઇનપુટ મળતા તેમણે ટ્રક ડ્રાઇવર જેવો વેશ ધારણ કરીને મોડી રાતે ટ્રક લઈને હાઈવે પરથી નીકળ્યા હતા. ત્યારે સ્ત્રીના વેશમાં લૂટારૂ શખસ આવતા તેને દબાચીને અન્ય ત્રણ શખસોને પણ પકડી લીધા હતા.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર મહિલાનો વેશ ધરીને ટ્રકચાલકોને લલચાવી લૂંટી લેવૅની ઘટનાઓ અંગે મળેલી માહિતીના આધારે વિવેકાનંદનગર પોલીસે છટકું ગોઠવ્યું હતું પરંતુ આરોપી પકડાયા નહોતા. આથી વિવેકાનંદનગર પીઆઇ જાતે જ ટ્રક ડ્રાઇવર બનીને ટ્રક લઈને નીકળ્યા હતા અને ટોળકીએ તેમને ટાર્ગેટ કરતાં પોલીસે 4 આરોપીને ઝડપી લીધા હતા. એક્સપ્રેસ હાઈવે પર વિવેકાનંદનગર વિસ્તારમાં એક વર્ષમાં ટ્રકચાલકોને ઝાડીમાં લઈ જઈ લૂંટી લેવાના 15 જેટલી ઘટના બની હતી. તમામ ઘટનાઓમાં મહિલા ડ્રાઇવરને લલચાવી ફોસલાવીને ઝાડીમાં લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ તમામ ઘટનાઓમાં મોબાઈલ ફોન અથવા તો નજીવી રકમ ગઈ હોવાથી ટ્રક ડ્રાઇવરો ફરિયાદ કરતા ન હતા.
વિવેકાનંદનગર પીઆઈ એચ. એન. બારિયા જાતે જ ટ્રક ડ્રાઇવર જેવો વેશ ધારણ કરીને ટ્રક લઈને હાઈવે પરથી નીકળ્યા હતા. તેમણે થોડો સમય સુધી ટ્રક હાઈવે ઉપર સૂમસામ જગ્યા ઉપર પાર્ક કરીને તેમાં બેસી રહ્યા હતા. જેથી થોડી જ વારમાં એક મહિલા આવી હતી અને તેમને લાલચ આપીને નજીકમાં ઝાડીમાં લઈ ગઈ હતી. તેની સાથે જ પીઆઈ બારિયાએ મહિલાના સ્વાંગમાં આવેલા લુટારુને ઝડપી લીધો હતો. તેમણે ઈશારો કરતાં તેમની ટીમ પણ આવી પહોંચી હતી અને પોલીસે ત્યાંથી ટ્રકચાલકોને લૂંટતી ટોળકીના 4 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં દિનેશભાઈ ભગાભાઈ વાદી (30), મહેશભાઈ ભીખાભાઈ વાદી (25), દેવાભાઈ પ્રેમજીભાી નટ (32) અને અજયભાઈ ચતુરભાઈ વાદી (22) નો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછમાં તેમણે છેલ્લા એક વર્ષમાં આ જ રીતે 15 થી વધુ ટ્રક ડ્રાઇવરને લૂંટી લીધા હોવાની કબુલાત કરી છે.