- પોલીસ અને આરોગ્ય વિભાગે શહેરમાં નકલી તબીબો સામે હાથ ધરી ઝૂંબેશ
- નકલી તબીબો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા
- પોલીસે દવાખાનામાંથી દવાઓ અને ઈન્જેક્શનનો જથ્થો પણ જપ્ત કર્યો
સુરતઃ શહેરના શ્રમિક વિસ્તારોમાં ફેક ડિગ્રીધારી બોગસ તબીબો પ્રેક્ટિસ કરીને દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો મળ્યા બાદ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્તરીતે શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા ચાર બોગસ ડોકટરોની ધરપકડ કરવામાં આવી છે. બોગસ તબીબો દ્વારા ક્લીનીકો પર દવાઓ અને ઈન્જેક્શનનો ઉપયોગ કરીને લોકોને સારવાર અપાતી હતી. યુપી અને વેસ્ટ બંગાળના ચાર શખસોએ સુરત આવીને ડોકટર બની પ્રેકટિસ કરતા હતા. બોગસ તબીબો માત્ર ધોરણ 10-12 સુધી ભણ્યા છે. અને છેલ્લા ચાર વર્ષથી પ્રેકટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા.
સુરત શહેરમાં બોગસ ડોકટરોને શોધવા અને તેમની પ્રેક્ટિસ બંધ કરાવવા માટે પોલીસ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન બોગસ તબીબો પ્રેક્ટિસ કરતા હોવાની બાતમી મળતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ ડમી દર્દીઓ મોકલી તપાસ કરવામાં આવી હતી. જ્યાં આ પ્રેક્ટિસ કરતા 4 તબીબો પકડાઈ ગયા હતા. બોગસ તબીબો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પકડાયેલા તબીબોમાં મોહમ્મદ જાવેદ મોહમ્મદ શેખ (ઉ.વ. 53) ફૈઝલનગર, ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો હતો અને ઉત્તરપ્રદેશના જોનપુરથી મૂળ રહેવાસી છે. જ્યારે બિબેકાનંદ બિસ્વાલ (ઉ.વ. 58) હમીદનગર, ભેસ્તાનમાં તબીબી સેવા આપતો અને વેસ્ટ બંગાળના નોદીયા જિલ્લાનો વતની છે. તેમજ મોહમ્મદ લતીફ મોહમ્મદ અંસારી (ઉ.વ. 27) તિરૂપતીનગર, ભેસ્તાનમાં પ્રેક્ટિસ કરતો હતો. આ આરોપી મૂળ ઉત્તરપ્રદેશના બસ્તી જિલ્લાનો રહેવાસી છે. તથા મલય મોહનિશ બિસ્વાસ (ઉ.વ. 40) દિલદારનગર, ભેસ્તાનમાં ક્લિનિક ચલાવતો હતો. આ આરોપી વેસ્ટ બંગાળના નદીયા જીલ્લાનો રહેવાસી છે. પોલીસે ક્લીનીકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, શિરપ, મોબાઇલ ફોન્સ સહિત રૂ. 26,802 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સુરત પોલીસે બોગસ ડોકટરો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. લોકોની જીંદગી સાથે ખિલવાડ કરનારા નકલી તબીબો પર કડક પગલાં લેવામાં આવશે. ભેસ્તાન પોલીસ સ્ટેશનની ટીમે આ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. અને 22 સ્થળોએ તપાસ કર્યા બાદ આ બોગસ ડોકટરો સામે કાર્યવાહી કરી છે.