
- લાશને ચેક ડેમમાં નાખ્યા બાદ વસ્ત્રો બાળી નાખ્યા હતાં
- માથાના પાછળના ભાગે કડાથી 4-5 વાર ઘા ઝીંક્યા હતાં
અમદાવાદઃ ગત દિવસોમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના સરધારકા ગામ પાસે ચેક ડેમમાં અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. ત્યારે તાજેતરમાં મોરબી જિલ્લાના વાંકાનેર પોલીસે આ લાશનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ત્યારે આ મામલે પોલીસે બે યુવકોની ઘરપકડ કરી છે. તે ઉપરાંત મૃતક રાજેશ પ્રેમજી સોલંકી શક્તિપરા વાળા હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટનામાં મૃતકના મિત્રોએ જ તેની હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવાઓ નાશ કરવા માટે લાશને ચેક ડેમમાં ફેંકી દેવામાં આવી હતી. જે મામલે પોલીસે બે આરોપીઓની ઘરપકડ કરી છે. આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા માટે હત્યા બાદ લાશને ચેક ડેમમાં નાખ્યા બાદ વસ્ત્રો બાળી નાખ્યા હતાં. તેમ છતાં ગણતરીના દિવસમાં વાંકાનેર પોલીસે આરોપીઓને સઘન તપાસ અંતર્ગત પકડી પાડ્યા હતાં.
તો મૃતક રાજેશને આરોપીઓ જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી સાથે ગત 13-14 સપ્ટેમ્બરના મોડી રાત્રીના બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે ઝઘડા બાદ આરોપી જીતેન્દ્રએ મૃતકના માથાના પાછળના ભાગે કડાથી 4-5 વાર ઘા ઝીંક્યા હતાં. બાદમાં સરધારકા નજીકના ચેકડેમમાં મૃતદેહ ફેંકી નાસી ગયા હતા. DySP એસ. એચ. સરડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક યુવાન અને બંને આરોપીઓ મિત્રો હતા અને ગુનાહિત માનસિકતા ધરાવતા હતા.