
અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી અને મ્યુનિ.નું તંત્ર એલર્ટ બનીને મંજુરી આપવામાં ખૂબ તકેદારી રાખી રહ્યું છે. ત્યારે અન્ય શહેરોની જેમ અમદાવાદમાં પણ જાહેર નવરાત્રીના રાસ ગરબાની મંજુરી માટે પોલીસે 20 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. દરેક આયોજકોએ સ્થાનિક પોલીસ સ્ટેશન અને ફાયર સેફટીના સાધનો માટે મ્યુનિ.નું પ્રમાણપત્ર ફરજિયાત લેવું પડશે. ગરબા સ્થળે કેટલા લોકો આવવાના છે તેની માહિતી ફરજિયાત દર્શાવવી પડશે. તેમજ ગરબામાં આવનારા લોકો માટે આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા કરી છે, તે પૈસાથી છે કે ફ્રીમાં તે પણ દર્શાવવું પડશે. આ સાથે ગરબાના સ્થળે કેટલા ફૂડ સ્ટોલ છે તેની સંખ્યા અને માહિતી પણ પોલીસની મંજૂરી લેવા માટે જણાવવી પડશે. ગરબાના સ્થળની આજુબાજુ જો અવાવરું જગ્યા હોય તો ત્યાં ફલડ લાઈટ અવશ્ય લગાવવી પડશે.
અમદાવાદ શહેર પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા રાસ ગરબાના આયોજકો માટે 22 મુદ્દાની ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી હતી. જ્યારે આયોજકોએ છેલ્લી મંજૂરી તો પોલીસની લેવાની હોય છે. જેથી પોલીસ કમિશનરે ગઈકાલે સાંજે 20 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી હતી. જેમાં ગયા વર્ષ કરતા 5થી 6 મુદ્દા નવા ટાંકવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો અભિપ્રાય અને ફાયરસેફટી માટે મ્યુનિ.નું પ્રમાણપત્ર લેવું ફરજિયાત કરી દેવાયું છે. ગાઈડલાઈન દરેક પોલીસ સ્ટેશનને મોકલી દેવાઈ હતી અને આયોજકો સુધી પહોંચાડી દેવામાં આવી હતી. ગરબાના સ્થળની આજુબાજુ અવાવરુ જગ્યા હોય ત્યાં ફલડ લાઈટ ફરજિયાત લગાવડાવી પડશે. તેમજ એન્ટ્રી – એક્ઝિટ – પાર્કિંગ સહિતના સ્થળે સીસીટીવી ફરજિયાત લગાવવા પડશે. જે આયોજકો આ ધારા ધોરણનું પાલન નહીં કરે તો તેમને રાસ-ગરબાની મંજૂરી નહીં મળે. ફાયરની એનઓસી પણ ફરજિયાત કરવામાં આવી છે.
શહેર પોલીસ અને ફાયર વિભાગે જે નિયમો બનાવ્યા છે, જેમાં રાસ-ગરબા જ્યાં યોજાય છે તે વિસ્તાર કયા પોલીસ સ્ટેશનમાં આવે છે . રાસ ગરબાનું સ્થળ . આયોજક – અરજદારનું નામ તેમજ ઓળખના તમામ પુરાવા, આધાર કાર્ડ,. ગરબાના કાર્યક્રમની તારીખ – સમય , ગરબા રમવા તેમજ જોવા આવનારા લોકોની અંદાજિત સંખ્યા , ખાનગી સિકયોરીટી ક્યાં કેટલી રાખી છે તેની સંખ્યા સાથેની માહિતી,. ગરબામાં પ્રવેશ માટેની ટિકિટ – પાસ – ફી કેટલી રાખી છે તેની માહિતી, દરેક એન્ટ્રી ગેટ પર ડોર ફ્રોમ મેટલ ડિટેક્ટર, સ્થાનિક પોલીસનો બંદોબસ્ત માંગ્યો છે કે નહીં ? તેની માહિતી, વાહનના પાર્કિંગની વ્યવસ્થા અને પાર્કિંગ માટે ચાર્જ માંગ્યો છે કે નહીં ?, ફૂડ સ્ટોલની સંખ્યા, સરકાર માન્ય ઈલેક્ટ્રિશિયનનું સર્ટિ, સીસીટીવી ક્યાં-કેટલા લગાવ્યા છે ? તેની માહિતી, સાઉન્ડ સિસ્ટમની વિગત, ફાયરસેફટી માટે મ્યુનિ.નું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિપત્ર, જો જગ્યા ભાડાની હોય તો જમીન માલિકનું સંમતિપત્ર, વીમા પોલિસી , પોલીસ સ્ટેશનનો અભિપ્રાય વગેરે વિગતો આપવી પડશે.