1. Home
  2. ગુજરાતી
  3. જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ:8 લોકો જીવતા ભૂંજાયા
જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ:8 લોકો જીવતા ભૂંજાયા

જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ:8 લોકો જીવતા ભૂંજાયા

0
Social Share

જયપુરમાં શુક્રવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી, જેના કારણે આઠ લોકો જીવતા ભડથું થઈ ગયા અને 35થી વધુ લોકો દાઝી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર ફાટી ગયું અને કેમિકલ બધે ફેલાઈ ગયું અને આગ લાગી. અજમેર હાઈવે પર થયેલા આ અકસ્માતમાં 40 વાહનોમાં આગ લાગી હતી. ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ પણ બળીને રાખ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની હાલત વિશે ડૉક્ટરો સાથે વાત કરી.

શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે અજમેર રોડ પર ભાંકરોટા નજીક પુષ્પરાજ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક સાથે અથડાતા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. વિસ્ફોટનો અવાજ 10 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. જો સૂત્રોનું માનીએ તો, આગ એટલી ગંભીર હતી કે 300 મીટરની ત્રિજ્યામાં ઘણા વાહનો સંપૂર્ણપણે બળી ગયા હતા અને ઘણી ઇંધણની ટાંકીઓ વચ્ચે-વચ્ચે ફૂટતી રહી હતી. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. આ ઘટનામાં ઘણા ડ્રાઇવરો દાઝી ગયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. અત્યાર સુધીમાં 10 ઘાયલોને ગંભીર હાલતમાં જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ચારે તરફ પ્રસરી રહેલી આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર એન્જિનો તૈનાત કરવામાં આવી હતી. આગ વધુ પ્રસરે નહીં તે માટે સત્તાવાળાઓએ હાઇવેની નીચેથી પસાર થતી એલપીજી પાઇપલાઇનને પણ બંધ કરી દીધી હતી. વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને હાઈવે પરનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.મુસાફરોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપવામાં આવી છે. વિસ્ફોટ અને આગ બાદ હાઇવે બંધ છે. 30થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં કેમિકલ અને આગ ફેલાઈ જવાને કારણે બચાવ કામગીરી પડકારરૂપ બની રહી છે. આ અહેવાલ લખાય છે ત્યાં સુધી અજમેર હાઇવે પર વાહનોમાં લાગેલી આગને ઓલવવાના પ્રયાસો ચાલુ હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code