
ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, જો ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને શનિવાર સુધીમાં પરત નહીં મોકલવામાં આવે તો હમાસ સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે અને ઇઝરાયલ ગાઝામાં “ભીષણ લડાઈ” ફરી શરૂ કરશે.
એક વીડિયો સ્ટેટમેન્ટમાં, બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમના કેબિનેટ મંત્રીઓએ બપોરે ચાર કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. તેમણે કહ્યું, “જો હમાસ શનિવાર બપોર સુધીમાં અમારા બંધકોને પરત નહીં કરે, તો યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે અને IDF (ઇઝરાયલ સંરક્ષણ દળો) હમાસને નિર્ણાયક રીતે હરાવવામાં ન આવે ત્યાં સુધી લડાઈ ફરી શરૂ કરશે”
ઇઝરાયલી પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇઝરાયલી કેબિનેટના તમામ મંત્રીઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા પર કબજો કરવાની યોજના અને તેમના યુદ્ધવિરામના અલ્ટીમેટમનું સ્વાગત કર્યું. નેતન્યાહૂની આ ટિપ્પણી હમાસે શનિવારે બંધકોને સોંપવાની યોજના આગામી સૂચના સુધી મુલતવી રાખવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી આવી છે.
સોમવારે, હમાસની સશસ્ત્ર પાંખ, અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબેદાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન તેમના નેતૃત્વએ યુદ્ધવિરામ કરારની શરતોનું પાલન કરવામાં ઇઝરાયલની નિષ્ફળતાઓનું નિરીક્ષણ કર્યું છે.
ઓબેડાએ જણાવ્યું હતું કે બંધકોને સોંપવાની પ્રક્રિયા આગામી સૂચના સુધી મુલતવી રાખવામાં આવશે. જ્યાં સુધી ઇઝરાયલ કરારોનું પાલન સુનિશ્ચિત ન કરે અને વળતર ચૂકવે નહીં.
તેના જવાબમાં, ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હમાસની જાહેરાત “ગાઝા યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાના કરારનું સંપૂર્ણ ઉલ્લંઘન છે”. કાત્ઝે કહ્યું કે તેમણે IDF ને “ગાઝામાં કોઈપણ સંભવિત પરિસ્થિતિ માટે સંપૂર્ણ તૈયારી રાખવા અને એન્ક્લેવ નજીકના સમુદાયોનું રક્ષણ કરવા” આદેશ આપ્યો છે.
ઇઝરાયલી કેબિનેટે શનિવાર સુધીમાં ઇઝરાયલી બંધકોને પરત નહીં કરવામાં આવે તો હમાસ સાથે યુદ્ધવિરામ રદ કરવાનો નિર્ણય લીધા બાદ ઇઝરાયલી સૈન્યએ જાહેરાત કરી હતી કે તે ગાઝા પટ્ટી નજીક સૈનિકો વધારશે અને અનામત સૈનિકોને બોલાવશે.