1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન કાલે શુક્રવારે ખૂલ્લો મુકાશે
અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન કાલે શુક્રવારે ખૂલ્લો મુકાશે

અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્લો ગાર્ડન કાલે શુક્રવારે ખૂલ્લો મુકાશે

0
Social Share
  • ગ્લો ગાર્ડન રાત્રે રંગબેરંગી લાઈટ્સથી ઝળહળી ઉઠશે
  • વિવિધ સ્કલ્પચરના કારણે બાળકોને તો મોજ પડી જશે
  • ટિકિટના દર હવે પછી નકિકી કરાશે

અમદાવાદઃ શહેરમાં રિવરફ્રન્ટ પર હવે ગ્લો ગાર્ડન ( નાઈટ ફ્લાવર પાર્ક)નો નજારો જોવા મળશે. આવતી કાલે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્લો ગાર્ડન બનાવવા અંદાજે ત્રણ કરોડ જેટલે ખર્ચ કર્યો છે. રાતના સમયે ગ્લો ગાર્ડન રંગબેરંગી લાઈટ્સથી દીપી ઉઠશે. ગ્લો ગાર્ડનમાં મુકાયેલા વિવિધ સ્કલ્પચર મુલાકાતીઓને જંગલ સફારીને અનુભવ કરાવશે. રાત પડતાં જ આ ગાર્ડન ઝળહળી ઊઠશે. ગ્લો ગાર્ડનમાં ફ્લાવર શો પૂર્ણ થયા બાદ ટિકિટના દર જાહેર કરાશે,

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર પાર્ક ખાતે નાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે. વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર સાથે એલઈડી લાઈટથી આ ફ્લાવર પાર્ક સુશોભિત કરવામાં આવ્યો છે. કાલે તા.3 જાન્યુઆરીના રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ફ્લાવર શોના ઉદ્ઘાટનના દિવસે આ નાઈટ ફ્લાવર પાર્કને નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. નાઈટ ફ્લાવર પાર્ક માટે અત્યારે કોઈ ફી રાખવામાં આવી નથી. ફ્લાવર પાર્કમાંથી નાઈટ ફ્લાવર પાર્કમાં સાંજના સમયે લોકો જઈ શકશે. ફરવાના શોખીન લોકો માટે વધુ એક નવું નજરાણુ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઉમેરવામાં આવ્યું છે.

શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આવેલા ફ્લાવર પાર્કમાં નાઈટ ફ્લાવર પાર્ક (ગ્લો ગાર્ડન) બનાવવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના સૂત્રોએ જણાવ્યું હતું કે સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર પાર્કમાં લાઈટ ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે અંદાજે ત્રણ કરોડથી વધુના ખર્ચે ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યો છે. 4500 સ્ક્વેર મીટરના એરિયામાં રંગબેરંગી એલ.ઈ.ડી. લાઇટ્સથી સુશોભિત કરાયો છે. આ નાઈટ ફ્લાવર પાર્કમાં જેમાં વિવિધ કુલ 54 જેટલા પ્રકારના લાઇટિંગ એલીમેન્ટ્સ ઇન્સ્ટોલ કરાયા છે. જેમાં વાઘ, સિંહ, જિરાફ, ઝિબ્રા, પોલાર બીયર, ઘોડો, હાથી, હરણ, સસલા, ફ્લેમિંગો, બટરફલાય, ચેરી ટ્રી, વીલો ટ્રી, ગુલાબ, કમળ, સનફલાવર, ટુ લેયર ફાઉન્ટેન, લાઇટિંગ ટનલ, લાઇટિંગ સ્વિંગ્સ, સેલ્ફી પોઈન્ટસ, એટ્રેક્ટિવ ડાન્સ ફલોર, કાર્ટૂન કેરેકટર્સ, લાઇટિંગ બોલ્સ, લાઈટિંગ પાથ વે, લાઇટિંગ ટેબલ-ચેર વગેરેનો મૂકવામાં આવ્યાં છે. બાળકો માટે લાઇટિંગ એક અદભુત નજરાણું બની રહેશે જેમાં બાળકોને ખૂબ જ મજા પડી જાય એવું બનાવવામાં આવ્યું છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, નાઈટ ફ્લાવર પાર્કમાં મુલાકાતીઓ માટે કોઈ અલગથી ફી રાખવામાં આવી નથી. જે નાગરિકો ફ્લાવર પાર્કની મુલાકાત લેશે તેઓ ગ્લો ગાર્ડનની પણ મજા માણી શકશે. જોકે ફ્લાવર શો બાદ નાઈટ ફ્લાવર પાર્કમાં પ્રવેશ ફી નક્કી કરવામાં આવશે. કાલે 3જી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવશે તે દિવસથી આ નાઈટ ફ્લાવર પાર્ક શરૂ કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code