- શહેરમાં ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ખોદકામ કરાતા થતો ટ્રાફિક જામ
- વિશ્વામિત્રી બ્રિજ અને આજવા ચોકડી પાસે વારંવાર થતો ટ્રાફિક જામ
- કેટલાક વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવે થતો ટ્રાફિક જામ
વડોદરાઃ શહેરમાં વસતી સાથે વિસ્તાર પણ વધ્યો છે, અને તેથી વાહનોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલ શહેરની સ્થિતિ એવી છે કે, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિક જામ થવાના મુખ્ય કારણોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાલતા પાણી અને ડ્રોનેજ લાઈન નાંખવાના કામોને લીધે રોજ પર કરેલું ખોદકામ તેમજ કેટલાક સ્પોટ એવા છે. કે, ઘણા વાહનચાલકોની ટ્રાફિક સેન્સના અભાવે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
વડોદરા શહેર નજીકની દેણા અને આજવા ચોકડી પાસે વિશ્વામિત્રી બ્રિજ પરથી પસાર થતી ટ્રક વચ્ચોવચ પહોંચતા જ તેની એક્સલ તૂટી જવાથી બંને તરફના વાહન વ્યવહારમાં વિક્ષેપ પડવાના કારણે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હતા. આ ઉપરાંત શહેરમાં ચારે બાજુએ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રકારની નવી ડ્રેનેજ કે પછી પાણીની લાઈન નાખવાની કામગીરી અંગે અથવા રીપેરીંગના કારણે ઠેક ઠેકાણે નાના-મોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત લાઈન નાખવા માટે સળંગ રસ્તો પણ ખોદી નાખવામાં આવ્યો છે પરિણામે એરપોર્ટ સર્કલ પાસે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા કરે છે.
વડોદરા શહેરમાં ન્યુ વીઆઇપી રોડ એરપોર્ટ સર્કલથી સરદાર એસ્ટેટ સુધીનો રોડ લાખો રૂપિયાના ખર્ચે નવો બનાવવામાં આવ્યો હતો, પરંતુ મ્યુનિ. દ્વારા બે વિભાગો વચ્ચે સંકલનના અભાવે ખોડીયાર નગર ચાર રસ્તાથી રસ્તો ખોદીને નવી લાઈન નંખાઈ રહી છે. પરિણામે ખોડીયાર નગરથી એરપોર્ટ સર્કલ સુધીના રસ્તે પણ વાહન વ્યવહાર અને ટ્રાફિકને વારંવાર સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આવી જ રીતે અમિત નગર સર્કલ વિસ્તારમાં પણ ચાર રસ્તા ભેગા થાય છે જ્યાં ટ્રાફિક સિગ્નલોની અવગણના કરીને કેટલાક વાહનચાલકો ગેરકાયદે રીતે પોતાની રીતે સિગ્નલો તોડીને જતા હોય છે પરિણામે વાહન વ્યવહાર વારંવાર ખોરંભે પડે છે પરિણામે અમિત નગર ચાર રસ્તા પાસે પણ ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જાય છે.