
GMERS : 7 મહિનામાં 1,255 દર્દીને સ્પીચ હિયરીંગ એન્ડ લેન્ગવેજ થેરાપી અપાઈ
અમદાવાદઃ GMERS સોલા-અમદાવાદના નિષ્ણાંતોએ ૭ મહિનામાં રાજ્યના 1,255 દર્દીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ થેરાપી આપી. ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંલગ્ન સોલા હોસ્પિટલ-અમદાવાદ હેઠળની ઓડીયોલોજી એન્ડ સ્પીચ લેંગવેજ પેથોલોજી કોલેજ ખાતે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સૌપ્રથમ ટેલિ-રીહેબીલેશન હબ કાર્યરત કરવામાં આવ્યું છે. ઓનલાઈન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ પેથોલોજી ડીસઓર્ડરની થેરાપી સરળતાથી મળી રહે તે હેતુથી ટેલિ રીહેબીલેશન હબનું ગત વર્ષે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ થયું હતું.
ઓડીયોલોજી કોલેજ સોલા-અમદાવાદ ખાતે સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજ ડીસઓર્ડરને લગતી થેરાપી માટે રાજ્યના દૂર-દરાજના ગામોથી બાળ દર્દીઓને દરરોજ અમદાવાદ આવવું પડતું હતું. તેમની સમસ્યાના સમાધાનરૂપે ટેલિ રીહેબીલેશન હબના માધ્યમથી આવા બાળકોને નજીકના કેન્દ્રો ખાતે જ વિડીયો કોન્ફરન્સ દ્વારા સ્પીચ એન્ડ લેન્ગવેજ થેરાપી આપવાની શરૂઆત થઇ હતી. જેના માટે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) દ્વારા રાજ્યમાં દાહોદ, કચ્છ, વેરાવળ, પોરબંદર, મહેસાણા, ગીર સોમનાથ, ગોધરા, સુરત, વડોદરા, નર્મદા, માણસા અને સાણંદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા હતા, જ્યાંથી બાળ દર્દીઓ થેરાપી મેળવી શકે.
રાજ્ય સરકારના આ આયોજનથી બાળ દર્દીઓને તેમના નજીકના કેન્દ્રો ખાતે જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઓડીયોલોજી એન્ડ સ્પીચ લેન્ગવેજ સોલા હોસ્પિટલના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા થેરાપી આપવામાં આવી રહી છે. ઓક્ટોબર-2024 થી એપ્રિલ-2025 દરમિયાન કુલ 1,255 જેટલા દર્દીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્પીચ હીયરીંગ એન્ડ લેન્ગવેજને લગતી થેરાપી આપવામાં આવી છે.