
નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસા વચ્ચે નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ પ્રતિક્રિયા આપી છે. નેપાળમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓને ઋષિકેશ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પરત લાવવા પ્રયાસો કરાય રહ્યા છે. ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે. કોઈપણ ગુજરાતી પ્રવાસીને તકલીફ ન પડે તેના માટે અમે સતત ચિંતાશીલ છીએ.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ‘નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે રાજ્યના અધિકારીઓને મેં જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.’
હાલ નેપાળમાં સ્થિત ભારતના નાગરિકોને કોઈપણ પ્રકારની ઈમર્જન્સીની પરિસ્થિતિમાં કે કોઈ મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસના નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.