- ઘરમાં લગ્નની શરણાઈના સૂર ગુંજવાના સ્થાને માતમ છવાઈ ગયો,
- બન્નેના પરિવારની સંમતીથી લગ્ન કરવાનું નક્કી કરાયુ હતુ,
ભાવનગરઃ શહેરમાં લગ્નના દિવસે જ યુવતીની કરપીણ હત્યાનો બનાવ બન્યો છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક શનિવારે સવારે એક યુવતીની લોખંડના પાઇપ મારી હત્યા થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. મરનાર યુવતીના શનિવારે લગ્ન થવાના હતા અને તેના ભાવિ પતિએ જ તેની હત્યા કરી દીધી છે. સોનીબેન હિંમતભાઈ રાઠોડની હત્યા કરી આરોપી સાજન બારૈયા નાસી છૂટ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, ગઈકાલે શનિવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના બની હતી. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જે યુવતીના આજે લગ્ન હતા, તે જ યુવતીની ભાવિ પતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુવતી સોની અને યુવક સાજનના પરિવારજનોએ લગ્નના મુહૂર્ત જોવડાવ્યા. તારીખ નક્કી થઈ, કંકોત્રીઓ છપાઈ, સગા-સંબંધીઓને ભાવભીના આમંત્રણ મોકલાયા. પણ પરિવારજનોને ક્યાં ખબર હતી કે તેમણે જે શુભમુહૂર્તમાં લગ્ન લેવાનું નક્કી કર્યું છે તે દિવસ આ પરિવાર માટે અશુભ સાબિત થવાનો છે.
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીના ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારો યુવતીને લોખંડની પાઈપના ઘા ઝીંકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સૌથી દુઃખદ વાત એ છે કે સોનીબેનના લગ્ન લેવાના હતા. જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં આજે આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌપ્રથમ પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પોલીસે હત્યારાની ભાળ મેળવવા માટે પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ઘટનાસ્થળ પરથી ફિંગરપ્રિંટ સહિતના તમામ વૈજ્ઞાનિક પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા છે. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
આ ઘટનાને લઇને સિટી ડી.વાય.એસ.પીએ જણાવ્યું હતું કે ભાવનગરના પ્રભુતળાવ નજીક રહેતી સોનીબેન નાનની યુવતીની તેના ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી છે. હત્યારાએ સવારે યુવતીની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. પોલીસે હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


