1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળમાં ગુજરાતનો હિસ્સો 21 ટકા
દેશમાં તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળમાં ગુજરાતનો હિસ્સો 21 ટકા

દેશમાં તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળમાં ગુજરાતનો હિસ્સો 21 ટકા

0
Social Share
  • ISROના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ 17613 વેટલેન્ડ્સ
  • ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં
  • દેશની કુલ 85 રામસર સાઇટમાંથી ચાર ગુજરાત પાસે

ગાંધીનગરઃ ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે. જે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળનો 21 ટકા હિસ્સો ગુજરાતનો છે જે અન્ય રાજ્યો કરતા સૌથી વધુ છે.

ગુજરાતના વેટલેન્ડ્સ 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના 17.8  ટકાનો સમાવેશ કરે છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISRO, 2021  દ્વારા ભારતીય વેટલેન્ડ્સના અવકાશ આધારિત અવલોકન મુજબ, ગુજરાતમાં કુલ 17,613 વેટલેન્ડ્સ છે, જે કુલ 3,499,429 હેક્ટર વિસ્તારને આવરી લે છે. તેમાં મુખ્યત્વે અંતરિયાળ-કુદરતી વેટલેન્ડ્સ, અંતરિયાળ-માનવ નિર્મિત વેટલેન્ડ્સ, દરિયાકાંઠાના માનવ નિર્મિત વેટલેન્ડ્સ ઉપરાંત દરિયાકાંઠાના કુદરતી વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મહત્તમ 67  ટકા વિસ્તાર ખાડીઓનો, ત્યારબાદ 46.8  ટકા વિસ્તાર કળણો, 91.6  ટકા સોલ્ટ માર્શ અને 75.5  ટકા વિસ્તાર મીઠાના અગરો ધરાવે છે.

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તા. 2જી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે ‘વિશ્વ જળ પ્લાવિત દિવસ’ની વિષયવસ્તુ “પ્રોટેકટીંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર” એટલે કે “આપણા સહિયારા ભવિષ્ય માટે જળ પ્લાવિત વિસ્તારોનું રક્ષણ”નક્કી કરવામાં આવ્યું છે.

MoEFCC દ્વારા NWCP પ્રોગ્રામ હેઠળ ભારતમાં કુલ 115 રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સ જાહેર કરવામાં આવી છે. જેમાંથી નળ સરોવર, થોળ તળાવ, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નાની કકરાડ, વઢવાણા, ખીજડિયા અને પરીએજ સહિત કુલ 8 રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ ગુજરાતમાં આવેલી છે. વધુમાં, ગુજરાતમાં 19 વેટલેન્ડ્સ છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવવિવિધતા વિસ્તારો તરીકે ઓળખાય છે.

ભારતની કુલ 85 રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે.

આ ઉપરાંત ગુજરાતમાં બીજી ઘણી મહત્વની વેટલેન્ડ્સ છે, જે જૈવવિવિધતાના દૃષ્ટિકોણથી સમૃદ્ધ છે જેમાં પોરબંદર જિલ્લામાં ગોસાબારા-મોકર સાગર, બરડાસાગર, અમીપુર ડેમ, ઝવેર-કુછડી વેટલેન્ડ,  મેઢા ક્રીક, સુરેન્દ્રનગર જિલ્લામાં નવા તળાવ/સાવડા, ભાસ્કરપુરા વેટલેન્ડ, વડલા વેટલેન્ડ, ભાવનગર જિલ્લામાં કુંભારવાડા,  મીઠાની તપેલીઓ અને આંબલા બંધારા, ખેડા જિલ્લામાં નારદા અને પરીએજ વેટલેન્ડ, પાટણ જિલ્લામાં  સિંધડા,  છણોસરા અને ગરામડી વેટલેન્ડ,  કચ્છના જખૌ બંધારા તેમજ દેવભૂમિ જિલ્લામાં ચરકલા વેટલેન્ડ આવેલો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code